મહેસાણા જિલ્લામા ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે, તો ઉનાળા સાથે સાથે જગતના તાત ખેડૂત દ્વારા ઉનાળુ વાવેતર પણ મોટાભાગે કરી દેવાયુ છે.જિલ્લામાં બે મહિના દરમિયાન ધાન્ય પાકો તેમજ પશુઓ માટે ઘાસચારો સહીત મળી 44,694 હેકટર જમીનમાં વાવેતર થવા પામ્યું છે. જેમાં બાજરીનુ 11,472 હેકટર જયારે ઘાસચારાનું સૌથી વધારે 26,407 હેકટરમાં વાવેતર થયું છે.
બાજરી, ઘાસચારા ઉપરાંત મગફ્ળી, ડાંગર ,મગ, તલ સહીત શાકભાજીનું પણ વાવેતર થયું છે. મહેસાણા જિલ્લામાં ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહથી જિલ્લાના ખેડૂતો દ્વારા ઉનાળુ વાવેતરના શ્રીગણેશ કરાયા હતા. જેમાં અત્યાર સુધી જિલ્લામાં બાજરી, ડાંગર, મગ, મગફ્ળી, તલ, શાકભાજી, ઘાસચારો સહિતના પાકોનું વાવેતર થઈ ચૂકયું છે.
જિલ્લામાં પિયતની સારી વ્યવસ્થા હોવાથી ખેડૂતો દ્વારા ઉનાળાના પ્રારંભે સારું વાવેતર કરાયુ છે. ત્યારે ઉનાળુ બાજરીનું સૌથી વધારે 11,472 હેકટરમાં વાવેતર થયું છે. જેમા સતલાસણા તાલુકામાં સૌથી વધારે 3,163 હેકટરમાં બાજરી વાવવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી તાલુકા દિઠ વાવેતરના આંકડા જોઈએ તો સતલાસણા તાલુકામાં સૌથી વધારે 7,855 હેક્ટર જમીનમાં ઉનાળુ સીઝનનુ વાવેતર થયું છે, તો સૌથી ઓછું બેચરાજી તાલુકામાં 1,479 હેકટરમાં વાવેતર પૂર્ણ થયું છે.
જિલ્લામાં થયેલ મુખ્ય પાક, ઘાસચારાના વાવેતરના આંકડા
પાક વાવેતર હેકટરમાં
ડાંગર 237
બાજરી 11,472
મગ 72
મગફ્ળી 1,717
તલ 333
શાકભાજી 4,073
ઘાસચારો 26,407
મહેસાણામાં થયેલ ઉનાળુ વાવેતર
તાલુકો વાવેતર હેકટરમા
બેચરાજી 1,479
જોટાણા 1,840
કડી 4,756
મહેસાણા 7,109
વિજાપુર 5,542
ખેરાલુ 5,891
સતલાસણા 7,855
ઊંઝા 2,176
વડનગર 3,859
વિસનગર 4,187