નાણાકીય વર્ષને હવે પૂરું થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને માર્ચ એન્ડિંગમાં વેપારીઓ વર્ષ દરમિયાનના હિસાબો પૂર્ણ કરવાના હોવાથી માર્કેટમાં થોડા દિવસમાં 6 દિવસની રજાઓ પણ શરૂ થઈ જશે. જેને લઈને રાધનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જીરુ, એરંડા, ઘઉં, ચણા, રાયડો, ધાણા, રઇ સહિત અન્ય આવકો પૂરજોશમાં શરૂ થઈ જવા પામી છે. જ્યારે ચાલુ સાલે ખેડૂતોએ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં જીરાનું મોટું વાવેતર કર્યું હતું જેને લઇને રાધનપુર માર્કેટ યાર્ડમાં પ્રતિદિન જીરાની 4000થી વધારે બોરીની આવક આવી રહી છે. પરંતુ ચાલુ સાલે જીરાના ભાવ નીચા રહેતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. આજરોજ જીરાની આવક 4000થી વધારે બોરી જોવા મળી હતી. પરંતુ હાલમાં જીરાના ભાવ નીચામાં 3170 થી 4403ના પડતા ખેડૂતોમાં જીરાના ભાવને લઈને નારાજગી જોવા મળી રહી છે. ગત સાલ કરતા જીરાના ભાવ નીચા રહેતા ખેડૂતો જીરાના ભાવ ધરખમ વધારો આવે તેવી આશા સીવી રહ્યા છે. જ્યારે રાધનપુર માર્કેટ યાર્ડમાં જીરા સહિત એરંડાની પણ મોટી આવક જોવા મળી રહે છે સહિત મસાલા પાકોમાં સુવા વરિયાળી સહિત અન્ય પાકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ આગામી પાંચ દસ દિવસમાં જીરાના ભાવમાં મોટો વધારો આવે તેવી અમો ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છીએ.
ચાલુ ભાવે પાકની વહેંચણી કરવા ખેડૂતો મજબુર
જીરા નું વેચાણ કરવા આવેલ ખેડૂતોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં અખાત્રીજ આવી રહી છે અને ખેડૂતોને અખાત્રીજના દિવસે અન્ય લેવડ દેવદના વહીવટો કરવાના હોય છે. માટે ખેડૂત જીરૂ કે એરંડાની સંગ્રહ કરી શકતા નથી અને માર્કેટના ચાલુ ભાવે પાકની વહેંચણી કરવામાં મજબૂર બને છે. જ્યારે હાલ જીરાના ભાવ ઓછા આવી રહ્યા છે.
આ વર્ષે જીરાના ભાવમાં ઘટાડો જોવા મળતા ખેડૂતો નારાજ
જીરાના નીચા ભાવ બાબતે વેપારીએ જણાવ્યું હતું કે ગત સાલની સરખામણી એ ચાલુ સાલે જીરા ભાવ નીચા છે.ગત માર્ચ એન્ડીગમાં જીરાના ભાવ 5500 થી 6000 હતા હાલમાં 3100 થી 4400 ભાવ પડી રહ્યા છે.