જિલ્લાના વેપારી મથક એવા કડી શહેરમાં રેલવે તંત્ર દ્વારા બ્રોડગેજ લાઈનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તેની સાથે અહીં જુનો રસ્તો બંધ કરી રેલવે અંડર પાસ બનાવવામાં આવ્યો છે.
આ અંડર પાસ રાહદારી માર્ગ તેમજ દ્વિચક્રી વાહનચાલકોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હોઈ તેને ખુલ્લો કરવાની લોક માગણી બુલંદ બની છે. અહીં આવેલા શૈક્ષણિક તેમજ ઔદ્યોગિક સંકુલોમાં અવરજવર કરવા માટે આ રસ્તો સાનુકૂળ રહે તેમ છે. આ અંગેની લેખિત રજૂઆત કડીના નાગરિકોએ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને કરતા તેઓએ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને મહેસાણાના લોકસભાના સાંસદ હરિભાઈ પટેલને આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ કરવા ભલામણ કરી હતી. આ પ્રશ્નના હલ માટે બંને સાંસદોએ સોમવારે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. જિલ્લાના બંને સાંસદોએ લોકોને પડતી હાલાકીને રૂબરૂ જોઈ-સમજીને આ રસ્તા માટે હકારાત્મક અભિગમ દાખવવા રેલવેના અધિકારીઓને સુચના આપી હતી.
કડીમાં નવનિર્માણ થયેલી રેલવેની બ્રોડગેજ લાઈન તેમજ રેલવે સ્ટેશનની સુવિધાને લોકોએ આવકારી છે. પરંતુ અહીં નિર્માણ કરવામાં આવેલા અંડર પાસને રાહદારી માર્ગ માટે બંધ કરવામાં આવતા એક લાખની જન વસ્તી ધરાવતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંડર પાસ બંધ રાખવામાં આવતા અહીં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા 25 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને આવન જાવનમાં મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં આ માર્ગેથી ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ અવરજવર કરતા અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈને અહીંના રહીશોએ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કરી હતી. જેથી લોકોની સમસ્યાના નિરાકરણ માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ લોકસભા સાંસદ હરી પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ મયંક નાયકને આ અંગે ટેલીફેનિક ભલામણ કરી હતી.
લોકોની સમસ્યા અંગેની જાણકારી મેળવવા માટે મહેસાણા જિલ્લાના બંને સાંસદો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેઓએ લોકોને કનડતી સમસ્યા જાણીને રેલવેના અધિકારીઓને આ બાબતે જરૂરી સૂચનો કરી હકારાત્મક અભિગમ અપનાવવા જણાવ્યું હતું. અંડર પાસ લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાય તો અહીંથી નાની કડી તેમજ આસપાસની સોસાયટીમાં રહેણાંક ધરાવતા લોકોને પણ આવન જાવનમાં પડતી મુશ્કેલી હલ થઈ શકે તેમ હોવાનું નાગરિકોએ રજૂઆત કરી હતી. બંને સાંસદોની રૂબરૂ મુલાકાત વખતે ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન વિનોદભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પટેલ, ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ પટેલ, જીગ્નેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ, રેલવેના અધિકારીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.