મહેસાણા મહાનગર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત 10 હજાર થી વધુ વેરના બકીદારો સામે નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 હજારથી વધુ લોકોને નોટિસ આપી બાકી વેરાની ભરપાઈ કરવા જાણ કરાઈ હતી. તેમ છતાં કેટલાક રીઢા બાકીદારોના વેરાની ભરપાઈ ન થતા તંત્રએ સિલ મારવાની કાર્યાવહી કરવા નિર્ણય કર્યો હતો. જેમાં વધુ એકવાર એક જ દિવસમાં 20 દુકાનોને સિલ મારવામાં આવ્યું હતું.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરો અને વ્યવસાય વેરો વસુલ કરવા માટે ચાલુ વર્ષ અને પાછલા વર્ષના બાકી વેરા મામલે મોટી રકમ બાકી હોય તેવા લોકોનું લિસ્ટ તૈયાર કરાયું હતું. જેમાં મિલ્કત વેરામાં 8,500 અને વ્યવસાય વેરામાં 6,000 જેટલી નોટિસો આપવામાં આવી હતી. જે નોટિસ મળતા જ લોકો પોતાનો બાકી વેરો ભરવા દોડયા હતા. તો કેટલાક લોકોને નોટિસ મળ્યા બાદ પણ વેરો ભરપાઈ કરવામાં દરકાર ન લેતા હોવાથી મનપા દ્વારા તેમની મિલ્કત સિલ કરવા નિર્ણય કરાયો હતો.
જેમાં મહેસાણા મહાનગર પાલિકાએ અગાઉ એક સિનેમા ગૃહ, દુકાનો સહિતની મિલ્કતો સિલ કરી હતી. ત્યારે વધુ એક વાર મનપાની ટીમે મોઢેરા રોડ પર આવેલ સોમેશ્વર કોમ્પ્લેક્ષમાં આવેલ શ્રી ઉમિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રથમ માળ પર દુકાન નં.45, 66, 67 તેમજ બીજા માળે 1, 2 ,4, 5, 6, 10, 36, 38, 39, 40, 41 અને ત્રીજા માળે 38, 39, 40, 41, 42, 50 નંબરની કુલ 20 દુકાનોના 11,53,234 રકમના બાકી વેરા મામલે સિલ કરી દેવામાં આવી હતી. જેમાં દુકાન નં.67નો બાકી વેર ભરપાઈ કરવામાં આવતા તેનું સિલ ખોલી આપવામાં આવ્યું હતું. તો આ ઉપરાંત પણ જે લોકોની મોટી અને વર્ષોથી વેરા વસુલાત બાકી છે તેમની સામે પણ મનપા તંત્ર દ્વારા મિલ્કતો સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.