લાભાર્થી સુધી યોગ્ય ગુણવત્તા ધરાવતું અનાજ નિયત સમય મર્યાદામાં પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ થઈ રહ્યું છે.
મહેસાણા સાંસદ તેમજ કન્ઝયુમર અફ્રેર્સ અને જાહેર વિતરણ વ્યવસ્થાની ભારત સરકારની કેન્દ્રીય સમિતિના સભ્ય હરિભાઈ પટેલે જાહેર વિતરણ વ્યવસ્થા માટેના FCI ગોડાઉનનું આકસ્મિક ચેકીંગ કર્યું હતું. સાંસદે FCI ગોડાઉનની મુલાકાત દરમિયાન અનાજની ગુણવત્તા અને વજનનું જાત નિરીક્ષણ કરી અધિકારીઓને વિવિધ સૂચન કર્યા હતા.શુક્રવારના રોજ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજ સંગ્રહ સ્થળ FCI ગોડાઉનની મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી. સાંસદની આ મુલાકાતનો ઉદ્દેશ્ય લાભાર્થીઓ સુધી પહોંચતા સરકારી અનાજની ગુણવત્તા ચકાસણીનો હતો. આકસ્મિક મુલાકાત દરમિયાન સાંસદ હરિભાઈ પટેલે ગોડાઉનમાં રાખવામાં આવેલ સરકારી અનાજનું નિરીક્ષણ કરી તેની ગુણવત્તા ચકાસી હતી. સાથે સાથે અનાજ સંગ્રહ સ્થળની સ્વચ્છતા બાબતે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન સાંસદે જાતે જ વજન કાંટા ઉપર વજન અને જથ્થા બાબતે નિરીક્ષણ કર્યું હતું. આ બાબતે પણ સાંસદ દ્વારા અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપવામાં આવ્યા હતા. આ વિતરણ વ્યવસ્થા હેઠળ છેવાડાના નાગરિકો સુધી અનાજ પહોંચે છે. નાનામાં નાના વર્ગ સુધી યોગ્ય જથ્થામાં અને યોગ્ય ગુણવત્તામાં અનાજ પહોંચે તે માટે સરકાર દ્વારા અનેકવિધ બદલાવ કરવામાં આવ્યા છે. સાંસદ દ્વારા આ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.