નર્મદા વિભાગ દ્વારા પહેલી એપ્રિલથી સિંચાઈ કેનાલોમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતાં બહુચરાજી વિસ્તારના ખેડૂતોમાં નર્મદા વિભાગના નિર્ણય સામે નારાજગી ઉભી થવા પામી છે.
આ બાબતે નર્મદા વિભાગનું કહેવું છે કે, વધુ સમય માટે પાણી ચાલુ રાખવા માટેની ખેડૂતોની રજૂઆત આવશે પુનઃવિચારણા થઈ શકે તેમ છે. બહુચરાજી તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પેટા કેનાલોમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસુ ખેતી નિષ્ફ્ળ જતાં બહુચરાજી તાલુકાની મોટાભાગની જમીનમાં રવિ પાકનું વાવેતર થવા પામેલ છે. રવિ પાક પૈકીના વરીયાળી, તમાકુ, એરંડા અને ઘાસચારા માટે બે મહિના સુધી પિયતની જરૂરિયાત હોઈ 30મી એપ્રિલ સુધી પાણી પુરવઠો ચાલુ રાખવા આ વિસ્તારના ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે. આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ છે તે મુજબ નર્મદા વિભાગ દ્વારા આગામી 31મી માર્ચના રોજ પાણી બંધ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે અને ખેડૂતોને જ્યાં પાતાળ કુવા ઉપર સિંચાઈ થઈ શકે તેમ હોય તો જ વાવેતર કરવા તાકીદ કરવામાં આવી છે.
બહુચરાજી વિસ્તારમાં પાતાળ કુવાની સુવિધા નહિવત છે અને મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોઇ સિંચાઈ માટે પાણી એપ્રિલ માસના અંત સુધી ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ચાલુ વર્ષે ખરીફ્ પાક નિષ્ફ્ળ જતાં ખેડૂતોને આર્થિક દૃષ્ટિએ બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રવિ પાક માટે પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને રાહત થઈ શકે તેમ છે. આ બાબતે ચાણસ્મા નર્મદા વિભાગ કચેરીનો સંપર્ક કરી પૂછતા જાણવા મળ્યું હતું કે, વધુ સમય માટે પાણી ચાલુ રાખવા માટેની ખેડૂતોની રજૂઆત આવશે. તો સરકારશ્રીના ધ્યાન પર લાવવા માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.