મહેસાણા તાલુકાના મંડાલી ગામમાં ભૂતકાળમાં થયેલા વિકાસ કામોમાં ગામના પૂર્વ તલાટી અને પૂર્વ વહીવટદારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ત્રણ દિવસ પૂર્વે પંચાયતના મુખ્ય દરવાજે તાળું મારી દેતાં વર્તમાન તલાટી અને વહીવટદાર સહિતનું તંત્ર દોડતું થયું હતું.
ગામમાં થયેલા વિકાસ કામોમાં પૂર્વ તલાટી અને પૂર્વ વહીવટદારે જે કામ એક લાખ રૂપિયાનું હોય તેમાં 18 લાખ રૂપિયાની ચુકવણી કરીને અનેક કામોમાં ગેરરીતિઓ આચરી હોવાના આક્ષેપો કર્યા હતા. મંગળવારે મળેલી ખાસ ગ્રામસભામાં હોબાળો કરી ગ્રામસભા પૂર્ણ થયા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ પંચાયતના મુખ્ય દ્વારે તાળું મારી દીધું હતું. મહેસાણા તાલુકા વિકાસ અધિકારી હરેશ ચૌધરીએ પંચાયતના વિસ્તરણ, નાયબ હિસાબનીશ અને નાયબ મદદનીશ ઇજનેરને તપાસના આદેશ આપી સમગ્ર બાબતનો અહેવાલ આગામી 7 દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે.
મંડાલી ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. જે દરમિયાન ગામના વિકાસ કામ માટે અનેકવિધ યોજનાઓ સંદર્ભે ગ્રાન્ટ ખર્ચ કરવામાં આવેલી છે. જે સરકારી ગ્રાન્ટમાંથી ગ્રામજનોની સુખાકારી માટે વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. જોકે ગ્રામજનોને ગામના પૂર્વ તલાટી મંત્રી ફલ્ગુન દેસાઈ અને પૂર્વ વહીવટદાર કનુ ચૌધરી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરાઈ હોવાની શંકા જતાં ગત મંગળવારે ગ્રામ પંચાયતમાં યોજાયેલી ખાસ ગ્રામસભામાં આ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોના આક્ષેપ સામે ગામના વર્તમાન તલાટી અને વહીવટદાર દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત કચેરી સ્થિત ઉપરી અધિકારીઓને રજૂઆત કરવા સમજાવ્યા હતા. જેથી ગ્રામજનોની રજૂઆતના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ કરાયા છે.
તપાસ ચાલુ છે, અહેવાલ પછી ખબર પડે મામલો શું છે
તાલુકા વિકાસ અધિકારી સમગ્ર મુદ્દે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મંડાલી પંચાયતમાં થયેલી તાળાબંધી બાબતે જેતે અધિકારીઓને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જેનો અહેવાલ આવી જાય પછી ખબર પડે કે કઈ બાબતે ગેરરીતિ આચરવામાં આવી છે.