મહેસાણા શહેરના માનવ આશ્રામ વિસ્તારમાં આવેલી 115 જેટલી સોસાયટીના રહીશોને વર્ષોથી કનડતી સમસ્યાઓ દૂર કરવા માટે લોકસભા સાંસદને માનવ આશ્રામ વિકાસ સમિતિના નેજા હેઠળ એક પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
અહીં રહેતા રહીશોને વર્ષોથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યા તેમજ પીવાના પાણીમાં નર્મદાનું શુદ્ધ પાણી નહીં મળતું હોવાની હાલાકી ભોગવી પડી રહી છે. આ ઉપરાંત અહીં બાળકોના અભ્યાસ માટે શાળાની વ્યવસ્થા ઉભી કરવા ઉપરાંત મહેસાણા વિભાગ એકમાં ઊભી થતી ટ્રાફ્કિ સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂર્વ તરફ્ રીંગરોડનું નિર્માણ કરાય તો વાહનોની અવરજવર માટે અનેક રીતે ફાયદાકાર બની રહેશે તે મુજબની લોકસભા સાંસદ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
શહેરના માનવ આશ્રામ વિસ્તારમાં આવેલી 115 જેટલી સોસાયટીના રહીશોને વર્ષોથી 800 થી1000 ટીડીએસનું બોરવેલનું પાણી પીવું પડે છે. જેની સામે તેઓને નર્મદાનું શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત અહીં થઈ ગયેલા દબાણ દૂર કરીને માર્ગો પહોળા કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે. માનવ આશ્રામ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારના બાળકો માટે સરકારી પ્રાથમિક શાળાની સુવિધા સાથે મનોરંજન માટે બાગ બગીચાનું પણ નિર્માણ કરવામાં આવે તો એક સારી સુવિધા પ્રાપ્ત થઈ શકે તેમ છે. આ ઉપરાંત અહીંથી શહેર તેમજ અન્ય તાલુકા મથકને જોડતા માર્ગને આઇકોનિક રૂપ આપવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે. રહીશોએ લોકસભા સાંસદને લખેલા પત્રમાં અહીં કોમ્યુનિટી હોલની વ્યવસ્થા પણ ઊભી થાય તો અનેક લોકોને મોટો ફાયદો થઈ શકે તેમ છે.