મહેસાણા તાલુકાના છઠિયારડાના જાગૃત નાગરિકે ગામને પ્રભાવિત કરતી ગંભીર સમસ્યાઓ અંગે વહિવટી તંત્રને જાણ કરી હતી. રામાપીર મંદિર રેલવે અંડરપાસ) થી ગામ સુધીનો માર્ગ તૂટી ગયો છે. આ રસ્તો તૂટી જતાં ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. આ મુખ્ય માર્ગ પર દરરોજ 5,000થી વધુ લોકો અવર જવર કરી રહ્યા છે. તેમજ મુખ્ય માર્ગ અને ગામમાં અનેક કચરાના ઢગલા સર્જાયા છે. આ ગંદકીના ઢગથી આરોગ્ય માટે જોખમ ઉભું થયું છે.
છઠિયારડા આંગણવાડી નજીક એક મોટો કચરાનો ઢગલો સર્જાયો છે. જેના કારણે બાળકોના આરોગ્ય પર ગંભીર અસરો પડી શકે તેમ છે. મુખ્ય માર્ગ અને આંતરિક રસ્તાઓની મરામત અને પુનઃ નિર્માણ માટે યોગ્ય પગલાં ભરવા માંગણી ઉભી થઈ છે. ગામના જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, તૂટી ગયેલા રસ્તાઓ, કચરાના ઢગલા, નદીનું પ્રદૂષણ અને અન્ય સમસ્યાઓ હલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.