મહેસાણામાં વિમાન દુર્ઘટના સામે આવી હતી. દેલાથી ઉચરપી જતા સીમ વિસ્તારમાં પાઈલટની તાલીમ આપતું નાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં પાઈલટ યુવતીને ઇજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. મહેસાણામાં શહેર વચ્ચે આવેલ બ્લ્યુરે એવિએશન કંપનીના વિમાનની દુર્ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે.
વધુ એકવાર પાઈલટની તાલીમ સમયે વિમાન ક્રેશ થઈ જમીન પર પટકાયું હતું. મળતી માહિતી મુજબ મહેસાણા એરોડ્રામથી ફાઇનલ સ્ટેજ પર તાલીમ લેતી આલેખ્યા પચેટી (ઉ.વ. 22) એકલી જ પ્લેન લઈ ઉડાન ભરી હતી. પ્લેન ટેકઓફ થયા બાદ આકાશમાં બેકાબૂ બન્યું હતું. બાદમાં એકાએક ક્રેશ થઈ ઉચરપી ગામની સીમમાં પડતા ધડાકાભેર અવાજ આવ્યો હતો. ધડાકાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. બનાવની જાણ થતાં મહેસાણા ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પ્લેનમાં સવાર યુવતીને બહાર કાઢવામાં આવી હતી. પ્લેન દુર્ઘટનામાં ઇજાઓ થઈ હોય સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
મહેસાણા ફાયર, પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું
વિમાન દુર્ઘટનાની જાણ થતાં જ ગામ લોકો ભેગા થઈ ગયા હતા. જ્યાં પ્લેનમાં ફ્સાયેલી યુવતીને બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ થતાં મહેસાણા ફાયર બ્રિગેડ અને પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમ સ્થળ પર દોડી આવી હતી. વિમાન તાલીમ સંસ્થાના ટેકનિકલ સ્ટાફ્ પણ બનાવ બનવા પાછળનું કારણ જાણવા માટે સ્થળ પર આવી ઇન્સ્પેકશન શરૂ કર્યું હતું.
વારંવાર બનતી પ્લેન દુર્ઘટનામાં મહેસાણાવાસીઓ ભયભીત બન્યા
મહેસાણામાં અગાઉ એરોડ્રામમાં પ્લેન લેન્ડ કરતી વખતે વિમાન દુર્ઘટના બની હતી. જેમાં બેકાબૂ બનેલું પ્લેન એરોડ્રામની દીવાલે જઈ ટકરાયું હતું અને જોરથી ધડાકો થયો હતો. દીવાલ પાસે આવેલા લોકોના રહેણાંક મકાનો ધ્રુજી ઉઠયા હતા. ત્યાં વધુ એકવાર ઉચરપી ગામની સીમમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે શહેર વચ્ચે આ રીતે પાઇલટ તાલીમ આપવામાં આવતી હોઈ પ્લેનથી સર્જાતી દુર્ઘટનામાં શહેરી જનો માટે જોખમ ઉભું કરી રહી છે.