મહેસાણાના ભાસરિયા ગામે રામદેવપીરના મંદીર પાસે શ્વાનને દૂધ પીવડાવવા જતા યુવક પર પોતાના જ મોટાબાપના પરિવારે જીવલેણ હુમલો કરી હત્યાની અંજામ આપ્યું હતું. લાકડાંના ફ્ટકા મારી યુવકની હત્યા કરનાર 5 શખ્સો સામે લાઘણજ પોલીસે ગુનો નોંધી હત્યામાં શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કર્યા હતા.
પોલીસે બનાવ સ્થળેથી જરૂરી પુરાવા અને નિવેદનો લઈ વધુ તપાસ આદરી હતી. મહેસાણાના ભાસરિયા ગામે ઈન્દિરાનગર રહેતા મંજુલાબેન કાંતિભાઈ પરમારની ફરિયાદ મૂજબ તેમના પુત્ર મનીષ ઉર્ફે ભુરિયો જેના 2 માસ અગાઉ સુરત ખાતે રહેતી ભારતી સાથે પ્રેમ લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓ પુત્ર અને પુત્રવધુ સાથે પોતાના ઘરે જ રહેતા હતા. ત્યાં શુક્રવારે મંજુલાબેનને તાવ આવેલ હોવાથી દવાખાને જવાનું કહેતા તેમનો પુત્ર શ્વાનને દુધ પીવડાવવા જાંપે જાઉં છું તમે જાંપે આવો તેમ કહી ઘરેથી નીકળી બહાર ગયો હતો. ત્યાં ઘરની બહાર મોટો હોબાળો થયો હોવાનો અવાજ આવતા મંજુલાબેન પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યાં રામદેવપીર મંદિર પાસે ફરિયાદીના જેઠના 2 પુત્ર કૌશિક ભલાભાઈ પરમાર અને જીગો ઉર્ફે લાલો ભલાભાઈ પરમાર બને જણા મનીષને ધોકા વડે માર મારી તને વડીલોપર્જિત જમીન કે ઘરમાંથી કોઈ ભાગ આપવાનો નથી અને ગામમાંથી કાઢી મુકવાનો છે. તેમ કહી માથાં ધોકા મારવા લાગેલા. જેથી મંજુલાબેન પોતાના પુત્રને બચાવવા વચ્ચે પડતા કૌશિક અને જીગાએ તેમને પણ ધોકા મારતા તે ખસી ગયા હતા. ત્યાં કૌશિકના પિતા ભલાભાઈ જેણાભાઈ પરમાર, જસીબેન ભલાભાઈ પરમાર અને શુશીબેન ભલાભાઈ પરમાર પણ ત્યાં આવી હતા. મનીશને ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદ ભલાભાઈએ યુવકને પકડી રાખતા તેમના પુત્રએ ઉપરા છાપરી પગે ધોકા માર્યા હતા. આમ ધોકા વડે માર મારતા યુવકનું મોત નિપજ્યું હતું.
લગ્નના 2 મહિનામાં પરિણીતાનું સિંદૂર ભૂંસાયું
ભાસરિયા ગામે ખેલાયેલ લોહિયાળ જંગમાં મંજુલાબેને પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો હતો. તો તેમના પુત્ર મનીષ સાથે પ્રેમ લગ્ન કરનાર ભારતીના લગ્નના 2 મહિનામાં તેના પતિની હત્યા થતા બન્ને મહિલાઓ ઘેરા શોકમાં સરી પડી હતી.