કડાણા ડેમ આધારિત કડાણા ડાબા કાંઠા નહેર મારફતે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના 40 અને લુણાવાડા તાલુકાના 90 મળી 130 જેટલા ગામોની 11000 હેકટર જમીનમાં સિંચાઈનું પાણી અપાય છે.
દર વર્ષની જેમ હાલમાં કેટલીક મુખ્ય કેનાલની સાફ સફાઈ કરાઈ રહી છે. પરંતુ કેટલાક વિસ્તારોની મુખ્ય કેનાલ તેમજ મોટા ભાગની માઇનોર કેનાલોની સાફસફાઈ કાગળ પર કરાતી હોવાના કારણે ખેડૂતોની નુકસાન વેઠવાનો વારો આવે છે. પરમપુર માઇનોર કેનાલ પર આવેલા પટ્ટણ, તણસીયા, ગોરાડીયા, કાકચીયા જેવા ગામોના ખેડૂતોને સિંચાઇનો લાભ મળે છે. આ કેનાલમાં સાફ-સફાઈ નહીં કરાતા તેમાં ઝાડી ઝાખરાંનું જંગલ છવાઈ જતાં પાણી આગળના ગામોમાં જતું અટકી જાય છે, અને પાણીનો બગાડ થાય છે, આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થાય છે. ખેડૂતોની વારંવાર સુપરવાઇઝરને રજૂઆત છતાં કેનાલો સાફ કરાતી નથી. કેનાલમાં કચરો, ઝાડી ઝાંખરાના કારણે પાણી ઓવરફ્લો થતાં પાળા તૂટવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. દર વર્ષે કેનાલની સાફ સફાઈ માટે સિંચાઈ વિભાગ દ્વારા નાણાં ફાળવાય છે, પરંતુ કેટલીક કેનાલો સાફ કરી ફોટા પાડી તમામ કેનાલોની સફાઈ દર્શાવી દેવાતી હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરાઈ રહ્યા છે. જેથી સિંચાઇ વિભાગ આ અંગે સ્થળ તપાસ કરી કેનાલો સફાઈ કરાવે તેવી માંગ ઉઠી રહી છે.