સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં હીરાની ઠગાઈના એક કેસમાં નવો વિવાદ સામે આવ્યો છે. આ કેસમાં પકડાયેલા હીરા દલાલ વિશાલભાઈ ઘનશ્યામભાઈ ધામેલીયાએ પોલીસ પર દૂર વ્યવહારનો આરોપ લગાવ્યો છે. આ મામલે સુરત કોર્ટે કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ, મહિલા પીએસઆઈ સહિત ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસ રજીસ્ટર કરવાનો હુકમ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
કતારગામ ગોલ્ડનીવેરા સોસાયટીમાં રહેતા વિશાલભાઈ ધામેલીયા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં 50 લાખથી વધુની રકમની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે વિશાલની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, કોર્ટમાં વિશાલે આરોપ લગાવ્યો કે પોલીસે તેમની સાથે દૂર વ્યવહાર કર્યો અને મારપીટ કરી હતી.
વિશાલે જણાવ્યું કે પીઆઈ બી. કે. ચૌધરી, મહિલા પીએસઆઈ એન. એસ. સાકરીયા, પીઆઈ રાઈટર રમેશભાઈ અને કોન્સ્ટેબલ વિપુલસિંહે તેમને માર માર્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે પોલીસે તેમની બોગસ સહી સાથે પેમેન્ટની ચીઠી તૈયાર કરી અને ફરિયાદીને પેમેન્ટ કે હીરા આપીને સમાધાન કરવાનું દબાણ કર્યું હતું.
કોર્ટનો નિર્ણય
વિશાલની ફરિયાદને ધ્યાને લઈને સુરત કોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી. કોર્ટે ચારેય પોલીસકર્મીઓ – પીઆઈ, પીએસઆઈ, રાઈટર અને કોન્સ્ટેબલ – વિરુદ્ધ ઇન્કવાયરી રજીસ્ટર કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2) અને 54 હેઠળ સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આગામી સુનાવણી 25 માર્ચે નિર્ધારિત કરવામાં આવી છે.
વકીલનું નિવેદન
આરોપી તરફથી હાજર રહેલા વકીલ મુકુંદ રામાણીએ જણાવ્યું કે, “કોર્ટે પોલીસકર્મીઓના વર્તનને ગંભીરતાથી લીધું છે અને તપાસનો હુકમ કર્યો છે.” આ કેસમાં વિશાલની વકાલત વકીલ રિદ્ધિશ મોદી અને મુકુંદ રામાણીએ કરી હતી.
શું થશે આગળ?
આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગ અને પોલીસ તંત્ર પર નવા પ્રશ્નો ઉભા કર્યા છે. હીરાની ઠગાઈના કેસમાં પોલીસની ભૂમિકા અને આરોપી સાથેના વ્યવહારની તપાસ બાદ સત્ય સામે આવશે. આગામી સુનાવણીમાં કોર્ટના નિર્ણય પર સૌની નજર રહેશે.