અડાજણ વિસ્તારમાં રહેતી યુવતી પર તેની માતાના મિત્રએ જ નજર બગાડીને છેલ્લા 2 વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. નરાધમ સ્કુલ સંચાલક યુવતીને જબરજસ્તીથી દારૂ પીવડાવીને બળાત્કાર ગુજારતો હતો. પીડિત યુવતી વિરોધ કરતી તો નરાધમ પટ્ટાથી ઢોર માર મારતો હતો. અંતે કંટાળી જઈને ભોગ બનેલી યુવતીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રાથમિક સ્કુલના સંચાલકની ધરપકડ કરી છે.
યુવતીને દારૂ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતુ
અડાજણ પોલીસના સુત્રો દ્વારા મળતી વિગત મુજબ અડાજણ વિસ્તારમાં રહેતી 18 વર્ષ 6 માસની યુવતીને દારૂ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતુ હતુ, જેનો વિરોધ કરતા પટ્ટા વડે માર મારવામાં આવતો હતો. આ મામલે અડાજણ પોલીસ મથકે પર્વત પાટિયા મોર્ડન ટાઉનશીપ સામેની જલારામ સોસાયટીમાં રહેતા કેતન બાબુભાઈ પરમાર (ઉ.૪૧) (મુળ રહે, લીંબડી,જિ.સુરેન્દ્રનગર) વિરુદ્ધ ભોગ બનેલી યુવતીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બળાત્કારી કેતન પીડિતાની માતાનો મિત્ર હોવાનું જાણવા મળ્યુ છે.
પોલીસે બળાત્કારી કેતન પરમારની ધરપકડ કરી
કેતન તેની માતાના ઘરે જ કાયમી પડયો પાથર્યો રહેતો હતો. તેમજ છેલ્લા 2 વર્ષથી યુવતીના ઘરે જઈને કુકર્મ આચરતો હતો. જો તે વિરોધ કરતી ત્યારે પટ્ટા વડે માર મારવામાં આવતો હતો. તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલા હતા. અંતે કેતન પરમારની કરતુતથી કંટાળી જઈને તેણીએ પોતાના મામા સહિત સંબંધીઓને વાત કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બળાત્કારી કેતન પરમારની ધરપકડ કરી હતી.
બળાત્કારી કેતન પ્રાથમિક સ્કુલનો સંચાલક
અડાજણની યુવતી સાથે કુકર્મ કરતા પકડાયેલા કેતન પરમાર માસુમ બાળકોને શિક્ષણના પાઠ ભણાવતી પર્વત પાટિયા ખોડીયારનગર પાસેની આર.બી.સી. પ્રિ.પ્રાથમિક સ્કુલનો સંચાલક છે. કેતન સ્કુલ સંચાલકની સાથે ફાયનાન્સનો ધંધો પણ કરે છે. બે પુત્ર અને એક પુત્રીના પિતા કેતન પરમાર કુકર્મના ગુનામાં ઝડપાતા શૈક્ષણિક આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.