કાલોલ તાલુકાના ચોરાડુંગરી ગામે ગાજવીજ સાથે ત્રાટકેલા વાવાઝોડામાં ઘર આંગણે તૂટી પડેલા ઝાડ નીચે એક જ ઘરની બે મહિલાઓના મોત નિપજ્યાં હતાં.
કાલોલ તાલુકાના ચોરાડુંગરી ગામે કાચા મકાનના આંગણે પીપળાનું ઝાડ ધરાશાયી થઈ ઘર પર પડતાં ઘરમાં હાજર દિવાળીબેન બારીયા અને તેમની પુત્રી ટીનીબેન ચૌહાણ દબાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં દોડી આવેલા ગામલોકોએ બન્ને મહિલાઓને બહાર કાઢી હતી પરંતુ તેમને માથામાં ગંભીર ઈજા થતાં બન્નેનું મોત નિપજ્યું હતું. દિવાળીબેન બારીયા મૂળ ઘૂસર ગામના હોઈ ચોરાડુંગરી ગામે પરણાવેલી પુત્રીના ઘરે બિમાર જમાઈની સાર સંભાળ માટે આવ્યા હતાં.
ચલાલી ગામે વૃક્ષ ધરાશાયી થતાં પશુનું મોત
કાલોલ પંથકમાં બુધવારે સાંજે ગાજવીજ સાથે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. શહેરના બે ત્રણ મકાનો પર એક મોટા કડાકા સાથે વીજળી ત્રાટકતા છતના કઠેડાને ફડી નાખ્યાં હતાં, જ્યારે ગ્રામ્ય વિસ્તારોના અનેક રોડ પર તોતિંગ વૃક્ષો અને ડાળીઓ તૂટી પડતાં રસ્તા પરના વીજપોલ અને વીજ લાઈનોને નુકસાન જતાં તાલુકાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો. જોકે વાવાઝોડાની અસર હેઠળ મોડી રાત્રે તાલુકાના ચલાલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા મહેશભાઇમગનભાઈ ચુનારાના ઘર પાસેનું એક તોતિંગ વૃક્ષ ધરાશયી થઇ જતાં વૃક્ષ નીચે બાંધેલા તેમના પશુનું મોત થયું હતું.