કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી હીરાજી પ્રજાપતિની દીકરી ઊર્મિલાના લગ્ન અમદાવાદ મુકામે રહેતા ભાવેશ મોહનભાઈ પ્રજાપતિ સાથે થયા હતા અને રૂપાજીની દીકરી ઉર્મિલા અને તેમનો જમાઈ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા હતા જ્યાં ઓસ્ટ્રેલિયા ખાતે બે મહિના પહેલા ઉર્મિલાનું મોત નિપજ્યું હતું.
બેંકમાં સહી કરવાની કહી ફાર્મ હાઉસમાં લઈ જઈ માર્યો માર
તે વખતે રૂપાજીએ ઓસ્ટ્રેલિયા જઈને તેની અંતિમ ક્રિયા કરી હતી અને તે વખતે તેમનો જમાઈ પણ સાથે હતો અને બંને જણા ઈન્ડિયા સાથે પરત ફર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા મોકલવા માટે જમાઈ ભાવેશ અને તેના ભાઈ સતીશના નામે રૂપાજીએ અમુક મિલકત વસાવેલી હતી અને ઉર્મિલાના મૃત્યુ બાદ રૂપાજીએ મિલકત તેઓના નામે કરી આપવા માટે બંનેને બોલાવતા હતા, જેથી ગતરોજ તેઓ બંને ભાઈઓ તેમના પિતા સાથે રૂપાજીની સાઈડ ઉપર પહોંચ્યા હતા. જ્યાંથી રૂપાજી બેંકમાં સહી કરવાનું કહીને બંને ભાઈઓને લઈ ગયા હતા અને ત્યારબાદ તેમના ફાર્મ હાઉસમાં લઈ જઈને તેમના મળતીયાઓ સાથે ભેગા મળીને બંને ભાઈઓને ઢોર મારવામાં આવ્યો હતો.
બે કલાક સુધી લાકડીઓ અને ધોકા વડે માર મારવામાં આવ્યો
બંને ભાઈઓ ઉપર સતત બે કલાક સુધી લાકડીઓ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને પોતાના જમાઈને માર મારતો વીડિયો કોલ તેમણે તેમની પત્નીને કર્યો હતો અને કહ્યું કે આજે આપણી દીકરીના મોતનો બદલો લેવાઈ ગયો છે અને એમ બંને જણા ગંભીર રીતે ઘાયલ થતાં રૂપાજીએ પીકઅપ ડાલુ બોલાવીને બંને ભાઈઓને તેમાં નાખીને કલોલની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી દીધા હતા. જ્યાં બનાવની જાણ તેના પરિવારજનોને થતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે કલોલની અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી
જ્યાં ભાવેશ મોહનભાઈ પ્રજાપતિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે તેના ભાઈ સતીશને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ વંગે પોલીસે મૃતકના પિતા મોહનભાઈ ગણેશજી પ્રજાપતિની ફરિયાદના આધારે રૂપાજી હીરાજી પ્રજાપતિ તથા તેમના મળતીયાઓ જીમી, સુમો, મનીષ તથા પીન્ટુ અને જનક તથા જીગા સામે હત્યાનો અને કાવતરાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.