– જિલ્લામાં ત્રણ દિવસથી વરસતા ધોધમાર વરસાદના પગલે
– ચમારડી નજીક કાળુભાર નદીનું પાણી ફરી વળતા ભાવનગર-વલ્લભીપુર માર્ગ લાંબો સમય માટે બંધ રહ્યો
સિહોર, વલ્લભીપુર : જિલ્લામાં અને અન્ય જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન વરસેલા ધોધામાર વરસાદના પગલે કાળુભાર અને ઘેલો નદીના પાણી ફરી વળતા ચાર ગામ સંપર્કવિહોણા થઈ ગયા હતા. જ્યારે ભાવનગર-વલ્લભીપુર માર્ગ લાંબો સમય માટે બંધ રહ્યો હતો.
સિહોરથી સાંપડતા અહેવાલો પ્રમાણે કાળુભાર અને ઘેલો નદી ભાવનગરના ભાલ પંથકમાંથી પસાર થાય છે. આ બન્ને નદીઓમાં પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો હોઈ સિહોર તાલુકાનું ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બન્યું છે તો ભાલના દેવળિયા, રાજપરા, આણંદપર ગામો પણ સંપર્ક વિહોણા બન્યા હોવાનું અને આ સ્થિતિના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વલ્લભીપુરથી પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર વલ્લભીપુરમાં પડેલા સતત ધોધમાર વરસાદથી અને ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસતા વલ્લભીપુર પંથકમાં નાના મોટા નદી-નાળાઓમાં ભરપૂર પાણી આવ્યા છે. ચમારડી ગામ પાસે કાળુભાર નદીના પાણી ફરી વળતા વલ્લભીપુર-ભાવનગર રોડ લાંબા સમય માટે બંધ થઈ જવા પામ્યો હતો. આ સાથે ઘેલો નદીમાં પાણી આવતા અનેક ગામોનો વલ્લભીપુર સાથે વાહન વ્યવહાર અટકી પડયો હતો. જેને લઈને વલ્લભીપુર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ દ્વારા નદી-નાળાની સ્થિતિ અંગે લોકોને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.