ઝારખંડના હજારીબાગમાં વિશાલ પરિવર્તન મહાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે પોતાના એક પરિવાર માટે દેશમાં દરેક જગ્યાએથી આદિવાસી પરિવારોની ઓળખ ભૂંસી નાખી છે. કોંગ્રેસે ક્યારેય આદિવાસી સમાજને મહત્વ આપ્યું નથી. પીએ મોદીએ એમ પણ કહ્યું કે, ઝારખંડ સાથે અમારો ખાસ સંબંધ બની ગયો છે. તેથી જ ઝારખંડ મને વારંવાર બોલાવે છે અને હું વારંવાર આવું છું.
કુટુંબ આધારિત વિચારસરણીએ દેશને ઘણું નુકસાન પહોંચાડ્યું
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, “ કોંગ્રેસે પોતાના એક પરિવારને ઓળખ આપવા માટે દેશના ખૂણે ખૂણે વસેલા આદિવાસી પરિવારોની ઓળખ પણ ભૂંસી નાખી. કોંગ્રેસે આઝાદીની ચળવળમાં આટલું મોટું યોગદાન આપનાર આદિવાસી સમાજને ક્યારેય પણ મહત્વ આપ્યું નથી. તેમણે કહ્યું કે, તમામ યોજનાઓ એક જ પરિવારના પુત્ર-પુત્રીઓના નામે, તમામ રસ્તાઓ, તમામ ઇમારતો એક જ પરિવારના પુત્ર-પુત્રીના નામે બની છે. આવી કુટુંબ આધારિત વિચારસરણીએ આપણા દેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
પીએમ મોદીએ આદિવાસી સંસ્કૃતિના વખાણ કર્યા
આદિવાસી સંસ્કૃતિના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઝારખંડની આ ભૂમિએ આદિવાસી સંસ્કૃતિની ખૂબ જાળવણી કરી છે. ભગવાન બિરસા મુંડાની પ્રેરણાની જાળવણી કરી છે. આજે મને ગાંધી જયંતિના શુભ અવસર પર અહીં આવવાનો અવસર મળ્યો છે. આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી 1925માં હજારીબાગ આવ્યા હતા. તેમના વિચારો, તેમના ઉપદેશો… આપણા સંકલ્પોનો ભાગ છે. હું બાપુને નમન કરું છું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
આ સંબંધ હૃદયનો સંબંધ છેઃ પીએમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ઝારખંડની સાથે ભાજપ અને મારો… અમારો એક ખાસ સંબંધ બની ગયો છે. આ સંબંધ હૃદયનો સંબંધ છે, સહિયારા સપનાનો સંબંધ છે. તેથી જ ઝારખંડ મને વારંવાર બોલાવે છે અને હું પણ વારંવાર દોડીને આવું છું.