છેલ્લા ઘણા સમયથી રેલ દુર્ઘટનાઓ વધી રહી છે. એક દિવસ ખાલી નથી જતો કે રેલવેને લઇને કોઇ સમાચાર ન આવ્યાહોય. ક્યારેક એન્જિન છુટુ પડી જાય છે તો ક્યારેક આગ લાગે છે. જ્યારે કેટલીક વાર તો ટ્રેન પાટા પરથી જ ઉતરી જાય છે. તેવામાં આજે વધુ એક કિસ્સો ઝારખંડમાંથી સામે આવ્યો. માલગાડી ટ્રેક પર ચાલી રહી કે અચાનક જ બે ભાગમાં વહેંચાઇ ગઇ. આટલુ ઓછુ હોય તેમ ટ્રેનના બે ડબ્બા પણ પલટી ગયા. આવો જાણીએ વિગતો.
મોટી રેલ દુર્ઘટના
ઝારખંડમાં મોટી રેલ દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બોકારો જિલ્લામાં બની છે. મળતી માહિતી અનુસાર બુધવારે મોડી રાત્રે તુપકાડીહ રેલ્વે સ્ટેશન નજીક બોકારો સ્ટીલ પ્લાન્ટથી કોઇલ લઇ જતી માલગાડી પાટા પરથી ઉતરી ગઇ હતી. માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે આ રૂટ પર અપ અને ડાઉન લાઈનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ટ્રાફિક પ્રભાવિત થવાને કારણે આ રૂટ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસને હાલમાં અન્ય સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના TKB અને RJB સેક્શન વચ્ચે બની હતી. અકસ્માત બાદ ગુડ્સ ટ્રેન નંબર N/Boost/બહાદુરગઢ ડાઉન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં વાયર અને માસ્ક સહિત ટ્રેકને મોટું નુકસાન થયું છે. આ ઘટના તુપકાડીહ રાજાબેડા સેક્શન કિલોમીટર નંબર 412/30 30 પછી બની હતી.
અનેક ટ્રેનોનું સંચાલન ખોરવાયું
બોકારોના તુપકાડિહ રેલ્વે સ્ટેશન પાસે બનેલી આ ઘટનાને પગલે ડઝનથી પણ વધારે ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. પોલ નંબર 410/1 પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને પલટી ગયા હતા. જેના કારણે બોકારો ગોમો રૂટ પર ટ્રેનની અવર જવર પ્રભાવિત થયો હતો.