ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ યુએનમાં આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે ઇઝરાયેલના હાથ બહુ લાંબા છે અને આખા મિડલ ઇસ્ટમાં પહોંચી શકે તેમ છે.
તેમણે લેબનોનના નાગરિકોને પણ પોતાની સુરક્ષા ખાતર પોતાના ઘર ખાલી કરી દેવા ચેતવણી આપી હતી અને આ ચેતવણીને ગંભીરતાથી લેવાની ટકોર કરી હતી. સાથે એમ પણ કહ્યું કે એકવાર ઇઝરાયેલનું અભિયાન પૂરું થયા બાદ તેઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછા ફરી શકશે. અમારા ઉદ્દેશોની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અમે લેબનોનમાં હુમલા જારી રાખીશું. તેમણે ત્યાં સુધી કહ્યું કે અમે પ્રાદેશિક સુરક્ષાનું આખું સંતુલન બદલી કાઢીશું.
નેતન્યાહૂએ ઇરાનને પણ ચેતવણી આપી કે જો તમે અમારા પર હુમલા કરશો તો અમે પણ વળતા હુમલા કરીશું. ઇરાન તેનો કટ્ટરવાદ મિડલ ઇસ્ટથી આગળ વધીને આખી દુનિયા પર ઠોકી બેસાડવા માગે છે. ઇઝરાયેલના પગલાંથી ઇરાનનો ન્યુક્લિયર વેપન્સ પ્રોગ્રામ ખોરંભાયો છે, અટક્યો નથી. દુનિયાએ બહુ લાંબા સમય સુધી ઇરાનનું તુષ્ટિકરણ કર્યું, જે હવે બંધ થવું જોઇએ, આ ઘડીએ જ બંધ થવું જોઇએ. ઇઝરાયેલ શાંતિ ઇચ્છે છે, ઇઝરાયેલે શાંતિ સ્થાપી છે અને ફરી સ્થાપશે.