સુકાની અજિંક્ય રહાણે અને સરફરાઝ ખાને અડધી સદી નોંધાવતા રણજી ચેમ્પિયન મુંબઇની ટીમે રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રમાતી ઇરાની કપના મુકાબલાના પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ દાવમાં ચાર વિકેટે 237 રન બનાવી લીધા હતા. સ્ટમ્પના સમયે રહાણે 197 બોલમાં છ બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 86 તથા સરફરાઝ ખાને 88 બોલમાં 54 રન બનાવ્યા હતા.
રેસ્ટ ઓફ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ ભરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઇની ટીમ ખરાબ શરૂઆત કરી હતી અને 37 રનના સ્કોર સુધીમાં ઓપનર પૃથ્વી શૉ (4), આયુષ મહાત્રે (19) તથા હાર્દિક તમોરેની (0) વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રહાણે તથા શ્રૌયસ ઐયરે ચોથી વિકેટ માટે 102 રનની ભાગીદારી નોંધાવીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. ઐયરે 84 બોલમાં છ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 57 રન બનાવ્યા હતા.