લેબનોનમાં ઈઝરાયલના આક્રમણ વચ્ચે ઈરાન બેલેસ્ટિક મિસાઈલ હુમલાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના ઈન્ટેલિજન્સનું કહેવું છે કે, ઈરાન કોઈપણ સમયે મિસાઈલ હુમલો કરી શકે છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી કે, અમેરિકા પાસે આના સંકેત છે. ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ આ દરમિયાન એકજૂટ રહેવાની અપીલ કરી છે.
આપણે એકજૂથ રહેવું જોઈએ: નેતન્યાહૂ
અમેરિકાના અધિકારીએ એમ પણ કહ્યું કે, તેઓ ઈઝરાયલને સક્રિય રીતે સમર્થન આપી રહ્યા છે અને જો ઈઝરાયેલ આવું કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. આ આશંકાઓ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, “અમે ઈરાનની દુષ્ટતાની ધરી સામેના અભિયાનની વચ્ચે છીએ. આપણે એકજૂથ રહેવું જોઈએ અને આવનારા પડકારજનક દિવસોમાં મજબૂત ઊભા રહેવું જોઈએ.”
ઈરાને પહેલા પણ ઈઝરાયલ પર કર્યા હુમલા
એપ્રિલમાં ઈરાને ઈઝરાયલ પર આશરે 170 ડ્રોન, 30 થી વધુ ક્રુઝ મિસાઈલો અને 120થી વધુ બેલેસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો હતો. ઈઝરાયલે તેમાંથી મોટાભાગનાને મારી નાખ્યા હતા. ઈરાનના સાથી દેશોએ ઈઝરાયલ પર સતત રોકેટ-મિસાઈલ હુમલા કર્યા હોવા છતાં આજે સ્થિતિ એવી છે કે, ઈઝરાયલની સેનાએ તેના તમામ સાથી દેશોને શાંત કરી દીધા છે.
ઈઝરાયલે હિઝબુલ્લાનો કર્યો નાશ
ઈઝરાયલી સેનાએ સોમવારે દક્ષિણ લેબનોનમાં હુમલા કર્યા હતા. હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહને ઈઝરાયલ પહેલા જ મારી ચૂક્યું છે અને તેની સાથે ઘણા ટોચના કમાન્ડરો પણ માર્યા ગયા છે. હવે જમીન પર હુમલો કરવામાં આવ્યો છે અને ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારી કહ્યું કે, તેઓ લેબનોનના દક્ષિણ પર કબજો કરવાનો ઇરાદો ધરાવતા નથી.
લેબનોનમાં જમીની હુમલાનો હેતુ!
ઈઝરાયલની યોજના હિઝબુલ્લાની ચોકીઓ, ટનલ, લોન્ચપેડ અને અન્ય લશ્કરી માળખાને નષ્ટ કરવાની છે. અધિકારીએ કહ્યું કે, આ ઓપરેશન મર્યાદિત વિસ્તારમાં શરૂ થયું છે અને ધીમે ધીમે અન્ય ભાગોમાં પણ ચાલુ રહેશે. ઈઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે, તેઓ લેબનોનને ઘેરવાનો ઈરાદો ધરાવતા નથી, સેના અંદર જશે અને બહાર આવશે.