EPL 2025 મેગા ઓક્શનની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આજે બપોરે 3.30 વાગ્યાથી સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં ખેલાડીઓ પર બિડિંગ થવાનું છે. IPL 2025 મેગા ઓક્શન બે દિવસ ચાલશે. આ વખતે 577 ખેલાડીઓ પર બિડિંગ થશે. જેમાંથી માત્ર 207 ખેલાડીઓ જ ખરીદવામાં આવશે. તમામ 10 ફ્રેન્ચાઇઝીએ આ અંગે પોતાની માનસિકતા પણ તૈયાર કરી લીધી છે. આ વખતે મેગા ઓક્શનમાં ઘણા મોટા નામ સામેલ છે, જેઓ ઓક્શનના તમામ રેકોર્ડ તોડી શકે છે. જેમાં રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, અર્શદીપ સિંહ અને જોસ બટલર જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આ ખેલાડીઓ પ્રથમ સેટમાં સામેલ
કરોડો ક્રિકેટ ચાહકોની નજર આજે IPL 2025ની મેગા ઓક્શન પર છે. આ વખતે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પહેલા સેટમાં જ જોવા મળી શકે છે. પ્રથમ સેટમાં 6 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં રિષભ પંત, શ્રેયસ ઐયર, જોસ બટલર, મિચેલ સ્ટાર્ક, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહના નામ છે.
મેગા ઓક્શન પહેલા જ આ ખેલાડીઓની સ્ફોટકતા જોવા મળી રહી છે. જ્યારે પંત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, ત્યારે ઐયરે ગઈ કાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારી હતી. આ સિવાય જોસ બટલરે અબુ ધાબી T10 લીગમાં બે બેક ટુ બેક અડધી સદી ફટકારી છે.
પંત બની શકે છે સૌથી મોંઘો ખેલાડી
મેગા ઓક્શન પહેલા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. અત્યાર સુધી યોજાયેલી તમામ મોક ઓક્શનમાં પંત સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે. આવી સ્થિતિમાં, મેગા ઓક્શન દરમિયાન, તમામ ફ્રેન્ચાઇઝીઓ આ ખેલાડી પર નજર રાખવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંજાબ કિંગ્સ રિષભ પંત પર સૌથી મોંઘી બોલી લગાવી શકે છે. તમને જણાવી દઈએ કે, આ વખતે દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિલીઝ કર્યો હતો, જે ચાહકો માટે ખૂબ જ આશ્ચર્યજનક હતો.
IPL 2025ની હરાજીમાં ટીમો પાસે છે કેટલુ પર્સ
આઈપીએલની દસ ટીમો પાસે 641 કરોડ અને 50 લાખ રૂપિયા છે. પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ પૈસા છે. આ ટીમે માત્ર 2 અનકેપ્ડ ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, તેથી પંજાબ પાસે સૌથી વધુ 110 કરોડ 50 લાખ રૂપિયા બાકી છે. આ પછી, RCB રૂ. 73 કરોડ, ગુજરાત ટાઇટન્સ- રૂ. 69 કરોડ. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે રૂ. 55 કરોડ, કેકેઆર-51 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ-45 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ-45 કરોડ અને રાજસ્થાન રોયલ્સ પાસે સૌથી ઓછા રૂ. 41 કરોડ છે.
IPL હરાજી પ્રક્રિયા
પ્રથમ હરાજી માર્કી ખેલાડીઓના બંને સેટ માટે બિડિંગ સાથે શરૂ થશે. આ પછી, કેપ્ડ ખેલાડીઓના પ્રથમ સેટ માટે બિડિંગ કરવામાં આવશે. જેમાં બેટ્સમેન, ફાસ્ટ બોલર, સ્પિનર, ઓલરાઉન્ડર, વિકેટકીપર સામેલ હશે. આગામી રાઉન્ડમાં, આ વિવિધ કેટેગરીમાં અનકેપ્ડ ખેલાડીઓ માટે બિડિંગ યોજાશે.