IPL 2025 મેગા ઓક્શનમાં લેવામાં આવેલા નિર્ણયોને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ભારે ટીકા થઈ રહી છે. વિલ જેક્સને ન ખરીદવાથી ચાહકો ખૂબ જ નિરાશ છે, પરંતુ જો આપણે સમગ્ર બેંગલુરુ ટીમ પર નજર કરીએ તો, આ ટીમ શાનદાર પ્લેઈંગ ઈલેવન કોમ્બિનેશન તૈયાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે મેગા ઓક્શન પહેલા RCBએ વિરાટ કોહલી, યશ દયાલ અને રજત પાટીદારના રૂપમાં 3 ખેલાડીઓને રિટેન કર્યા હતા.
RCBએ તૈયાર કરી છે મજબૂત ટીમ
બેંગલુરુમાં વિરાટ કોહલી છે, જે આ વખતે પણ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. IPLમાં અત્યાર સુધી 8,000 રનનો આંકડો પાર કરનાર તે એકમાત્ર બેટ્સમેન છે. ફિલ સોલ્ટ તેની સાથે ઓપનિંગ કરતા જોઈ શકાય છે, જેમણે IPL 2024માં KKR તરફથી રમતા 435 રન બનાવ્યા હતા. આગામી સિઝનમાં રજત પાટીદારને ત્રીજા સ્થાને પ્રમોટ કરવામાં આવી શકે છે, જ્યારે જીતેશ શર્મા ચોથા સ્થાનની જવાબદારી સંભાળી શકે છે. જીતેશે 40 મેચ રમીને અત્યાર સુધી તેની IPL કરિયરમાં 730 રન બનાવ્યા છે.
મજબુત મિડલ ઓર્ડર
લિયામ લિવિંગસ્ટોન અને ટિમ ડેવિડ પાંચમા અને છઠ્ઠા સ્થાને રમી શકાય છે. આ બંને ખેલાડીઓ મેચ ફિનિશર છે, જરૂર પડ્યે બોલિંગ કરી શકે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી રહ્યા છે અને પોતપોતાની ટીમો માટે મોટો સ્કોર બનાવી રહ્યા છે. આ વખતે RCBએ કૃણાલ પંડ્યાને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જેણે તેની IPL કરિયરમાં 1,647 રન બનાવવા ઉપરાંત 76 વિકેટ પણ લીધી છે. કૃણાલ મહત્વપૂર્ણ રહેશે કારણ કે બોલિંગ સિવાય તે બેટિંગમાં પણ ઊંડાણ પ્રદાન કરશે.
વર્લ્ડ ક્લાસ બોલિંગ આક્રમણ
ભુવનેશ્વર કુમાર IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળી શકે છે. ભુવનેશ્વરને બેંગલુરુએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સિવાય RCB ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડને 12.50 કરોડ રૂપિયામાં ખરીદવામાં સફળ રહ્યું હતું. ભુવનેશ્વર અને હેઝલવુડ ઉપરાંત નુવાન તુશારા અને યશ દયાલ ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. કૃણાલ પંડ્યાની સાથે ટીમમાં માત્ર એક મુખ્ય સ્પિન બોલરની અછત જણાઈ રહી છે. જેકબ બેથેલ ટીમમાં છે, પરંતુ તેની પાસે ભારતીય પીચો પર રમવાનો વધુ અનુભવ નથી. સ્વપ્નિલ સિંહ લીડ સ્પિનર તરીકે જોવા મળશે તેવી આશા ઓછી જણાઈ રહી છે.
RCBની બેન્ચ સ્ટ્રેન્થ પણ ઘણી મજબૂત દેખાય છે. જો ટીમ યશ દયાલને મુખ્ય ઝડપી બોલર તરીકે જોઈ રહી છે, તો ટીમમાં રસિક દાર સલામ, બેટિંગ ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડ, મનોજ ભંડાગે અને નુવાન તુશારા પણ હશે.
RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જેકબ બેથેલ, જોશ હેઝલવુડ.
ઈમ્પેક્ટ પ્લેયર– રોમારિયો શેફર્ડ/સ્વપ્નીલ સિંઘ