કેન્દ્ર સરકારની જુદી જુદી 6 યોજનામાં 95%થી વધુ કામગીરી કરનાર ગ્રામ પંચાયતના સરપંચ અથવા વહીવટદાર દંપતીને 26 જાન્યુઆરીની દિલ્હી ખાતેની પરેડમાં ઉપસ્થિત રહેવા કેન્દ્ર સરકાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં ભાવનગર જિલ્લામાંથી એકમાત્ર માલણકા ગ્રામ પંચાયતના વહીવટદાર દંપતિને નિમંત્રણ મળતા તેઓ આજે દિલ્હી જવા રવાના થયા હતા.
કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનામાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી પોષણ યોજના અને મિશન ઈન્દ્ર ધનુષ સહિત છ યોજનામાં 95 ટકા કામગીરી કરનાર ગ્રામ પંચાયતના સરપંચ દંપતિ અથવા વહીવટદાર દંપતીને 26 મી જાન્યુઆરીમાં દિલ્હી ખાતે પરેડમાં ઉપસ્થિત રહેવા કેન્દ્ર સરકાર દ્વારા નિમંત્રણ પાઠવવાનો અગાઉ પરિપત્ર કરવામાં આવ્યો હતો.
જેના અનુસંધાને ભાવનગર જિલ્લામાંથી એકમાત્ર માલણકા ગ્રામ પંચાયતના વહીવટદાર દિનેશભાઈ સોલંકી અને દક્ષાબેન દિનેશભાઈ દંપતીને દિલ્હી ખાતે 26 જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ મળ્યું છે. જે દંપતિ દિલ્હી જવા ભાવનગર થી રવાના થયું હતું. નોંધણી છે કે સમગ્ર રાજ્યમાંથી 15 દંપતિઓને દિલ્હી ખાતેની પરેડમાં ઉપસ્થિત રહેવા કેન્દ્ર સરકાર દ્વારા સરકારના ખર્ચે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લામાં એક માત્ર ગ્રામ પંચાયતનો સમાવેશ થયો હતો. જોકે અવાણીયા ગ્રામ પંચાયત દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. પરંતુ સરકારમાંથી એકમાત્ર માલણકા ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી હોવાનું ભાવનગર જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.