રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગબાજો આકર્ષણ જગાવશે

0

[ad_1]

  • પ્રથમ વખત અન્ય મેદાનમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ યોજાશે
  • રાજકોટ મહાપાલિકાએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે
  • કોરોનાની પરિસ્થિતિ જોતાં અન્ય આયોજનો પછી નક્કી થશે

રાજકોટ સહિત રાજયના મહાનગરો અને નગરોમાં હવે નાતાલ બાદ મકરસંક્રાંતિની ઉજવણીનું વાતાવરણ બંધાતુ જાય છે ત્યારે સરકારે આ વર્ષે મોટા શહેરોમાં કોરોના કાળના વિલંબ બાદ ફરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની જાહેરાત કરી છે. તેના ભાગરૂપે આ વર્ષે સરકારના પ્રવાસન વિભાગને રાજકોટ કોર્પો. સાથે જોડાઇને પતંગોત્સવ યોજવા સૂચના આપતા મહાપાલિકાએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદની જેમ જ રાજકોટમાં ફલાવર શો, સાયકલોથોન, મેરેથોન જેવા આયોજન ઘડવા પણ વિચારણા થઇ રહી છે. પરંતુ હાલ તો માત્ર એક પતંગોત્સવ ફાઇનલ થયાનું મનપાના સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું. રાજકોટ મહાનગરમાં કોરોના કાળ પૂર્વે છેલ્લે મહાપાલિકા દ્વારા રેસકોર્ષ મેદાન અને જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઇશ્વરીયા ખાતે પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં દેશ-વિદેશમાંથી પતંગબાજો આવ્યા હતા. પરંતુ કોરોના આવ્યા બાદ આવા તમામ જાહેર આયોજનો રદ થઇ ગયા હતા. લોકોને ઘર બહાર નીકળવામાં પણ ભય લાગતો હતો.

સરકારી તંત્રો માત્ર કોરોના સામેની લડાઇમાં રોકાઇ ગયા હતા. હવે ધીમે ધીમે ફરી રાબેતા મુજબનો માહોલ બંધાઇ રહ્યો છે. થોડા સમય અગાઉ ચૂંટણીઓ પણ શાંતિથી પૂરી થઇ છે. મેળા બાદ ધનતેરસની આતિશબાજી પણ યોજાઇ હતી. દરમ્યાન અમદાવાદમાં તો ફલાવર શૉ પણ શરૂ થઇ ગયો છે. હવે સરકારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જાહેર કર્યા છે. આ વખતે સરકારે પ્રવાસન વિભાગ સાથે મહાપાલિકાને જોડી છે. આ વખતે કોર્પો. દ્વારા પતંગ મહોત્સવ યોજવાની સરકારે શનિવારે જાણ કરતા તૈયારીઓ શરૂ થઇ છે. સરકારે આ માટે રૂા.15 લાખની ગ્રાન્ટ પણ રાબેતા મુજબ મોકલી છે.

બીજી તરફ આ વખતે પ્રથમ વખત કોર્પોરેશનનો પતંગ મહોત્સવ રેસકોર્ષ બહાર યોજવો પડે તેવી શક્યતા છે. રેસકોર્ષ મેદાન આ વખતે તા.12ના રોજ અન્ય ઇવેન્ટમાં અગાઉથી બુક કરી દેવામાં આવેલ છે. આથી શાસ્ત્રી મેદાન, પોલીસ લાઇન ગ્રાઉન્ડ, રેસકોર્ષ ક્રિકેટ મેદાન, ચૌધરી હાઇસ્કુલ, યુનિવર્સિટી વગેરે ગ્રાઉન્ડના વિકલ્પ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય પતંગબાજોને જગ્યા ઉપરાંત ખુલ્લુ વાતાવરણ સહિતની કઇ સુવિધા અનુકુળ આવે તે પ્રવાસન નિગમ નકકી કરશે. આથી નિગમ ફાઇનલ કરે તે જગ્યાએ પતંગ મહોત્સવ યોજાશે.

બીજી તરફ મનપા દ્વારા સાયકલોથોન, ફલાવર શો, મેરેથોન દોડ જેવા આયોજન પણ વિચારવામાં આવી રહ્યા છે. તો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વે બોલીવુડ મ્યુઝીકલ નાઇટ યોજવામાં આવે તેવો વિચાર પણ કરવામાં આવી રહ્યો છે. જોકે હાલ તો માત્ર પતંગ મહોત્સવ ફાઇનલ થયો છે. જાન્યુઆરી એન્ડ અને ફેબ્રુઆરીમાં અન્ય પ્રસંગો યોજી શકાય છે. તા.26 જાન્યુઆરીના દિવસે પ્રધાનના હસ્તે કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક બ્રીજ ખુલ્લો મુકવા પણ તૈયારી થઇ રહી છે.

જોકે પતંગ મહોત્સવ સિવાયના તમામ કાર્યક્રમોના આયોજનો હજુ કોરોનાની શરતે વિચારણા હેઠળ છે. સરકારે જે રીતે સાવધાની વર્તવા અપીલ કરી છે તે જોતા જો આ મહિનામાં કોરોનાનું કોઇ હળવું મોજુ આવે તો પણ તકેદારી માટે સરકારી કાર્યક્રમો રદ્દ થઇ શકે છે. ભીડવાળી જગ્યાએ આમ પણ માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા સરકાર સતત અપીલ કરી રહી છે. જોકે સાથે જ અમદાવાદમાં ઇવેન્ટ પણ ચાલી રહી છે. આ સંજોગોમાં કોરોનાની સ્થિતિ ધ્યાને રાખીને તમામ આયોજનો તબકકાવાર ફાઇનલ કરાશે તેમ વર્તુળોએ કહ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *