– પિતાએ વાપરવાના પૈસા નહી આપતા પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો
– ઇન્દિરાનગરમાં બનેલા બનાવમાં સારવાર લઇ રહેલા વૃદ્ધ પિતાનું મોત થતાં પોલીસે પુત્ર વિરૂધ્ધ હત્યાની કલમ ઉમેરી
ભાવનગર : શહેરના ઇન્દિરાનગર નવી નિશાળ સામે રહેતા પ્રૌઢ ભંગારની ફેરી કરી ઘરે આવ્યા ત્યારે પુત્રએ વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી. પ્રૌઢ પાસે પૈસા નહિ હોવાના કારણે પુત્રને પૈસા આપવાની ના પાડતા ગુસ્સામાં પુત્રએ પિતાને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રૌઢને ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના ઇન્દિરાનગર નવી નિશાળ સામે વણઝારાની શેરીમાં રહેતા ઈસ્માઈલભાઈ છદુભાઈ કુરેશી (ઉં.વ ૬૬) ગઈ તા.૨૩ ઓકટોબર ૨૦૨૪ રોજ ભંગારની ફેરી કરી પરત ઘરે આવ્યા ત્યારે તેમના દિકરા ફજલ ઉર્ફે ગફાર ઇસ્માઈલભાઈ કુરેશીએ આવીને કહેલ કે, મને વાપરવા માટે પૈસા આપો જેથી પિતાની પાસે પૈસા ન હોવા ને કારણે પૈસા આપવાની ના પાડી હતી. તેવામાં પુત્ર ફજલ ઉર્ફે ગફારએ ખિજાઈને પિતા પર છરી વડે ડાબી બાજુના પડખામાં એક ઘા ઝીંકી દીધી હતો તથા ડાબા હાથે બાવડા ઉપર છરીનો ઘા મારી ગાળો આપી હતી અને પૈસા ન આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં દેકારો થતાં પુત્રી મેરાજબેન અને પત્ની હસીનાબેને વધુ માર મારવાથી છોડાવ્યા હતા. ઈસ્માઈલભાઈને ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે ઈસ્માઈલભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે બોરતળાવ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.