અમેરિકામાં ફરી એક વખત ભારતીય વિદ્યાર્થિની હત્યા કરવાના સમાચાર સામે આવ્યા છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એક યુવકની અમેરિકાના ગેસ સ્ટેશન પર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. યુવક ત્યાં નોકરી કરતો હતો અને મૃતકની ઓળખ સાંઈ તેજા નુકારાપુ તરીકે થઈ છે.
શિકાગોમાં ગેસ સ્ટેશન પર હુમલાખોરોએ ગોળી મારી દીધી
ત્યારે હાલમાં સ્થાનિક MLCએ આ ઘટનામાં મદદ માટે તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (TANA)ના સભ્યો સાથે વાત કરી છે. આવતા અઠવાડિયે વિદ્યાર્થીનો મૃતદેહ ભારત પહોંચે તેવી શક્યતા છે. બીઆરએસ એમએલસી મધુસુદન થાથાએ અમેરિકાથી મળેલી પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે સાઈ તેજા નુકારાપુને શનિવારે વહેલી સવારે શિકાગો નજીકના ગેસ સ્ટેશન પર હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. એમએલસીએ મૃતકના માતા-પિતા સાથે મુલાકાત કરી છે. જે બાદ તેમણે કહ્યું કે ઘટના સમયે સાંઈ તેજા ડ્યુટી પર ન હતો, પરંતુ તે તેના એક મિત્રની મદદ કરી રહ્યો હતો.
MBAનો અભ્યાસ કરવા માટે અમેરિકા ગયો હતો વિદ્યાર્થી
તેણે તેને થોડો સમય રોકાવાનું કહ્યું, કારણ કે મિત્ર કોઈ કામ માટે બહાર ગયો હતો. સાઈ તેજાએ ભારતમાં BBAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ પછી તે અમેરિકામાં રહીને MBA કરી રહ્યો હતો. મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે મૃતક પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. તેણે કહ્યું કે તે જાણીને દુઃખ થયું કે સાઈ તેજાને તે સમયે ગોળી મારી દેવામાં આવી, જ્યારે તે તેના મિત્રને મદદ કરી રહ્યો હતો.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર વધી રહ્યા છે હુમલા
તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લાના રહેવાસી 32 વર્ષીય વિદ્યાર્થી દાસારી ગોપીકૃષ્ણનું પણ અમેરિકાના એક સુપરમાર્કેટમાં ફાયરિંગમાં મોત થયું હતું. ગોપીકૃષ્ણ આઠ મહિના પહેલા સારી નોકરીની શોધમાં અમેરિકા ગયો હતો. ત્યાં એક સુપરમાર્કેટમાં કામ કરતો હતો. ફાયરિંગ વખતે કાઉન્ટર પર હાજર હતો અને તે સમયે એક અજાણ્યો હુમલાખોર સ્ટોરમાં ઘૂસ્યો અને ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. આ ગોળીબારમાં ગોપીકૃષ્ણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સ્થળ પર જ નીચે પડી ગયા હતા. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય મૂળના ઓછામાં ઓછા 12 વિદ્યાર્થીઓના મોત થયા છે. એપ્રિલ મહિનામાં પણ અમેરિકાના ક્લીવલેન્ડ શહેરમાં મોહમ્મદ અબ્દુલ અરફત નામનો 25 વર્ષીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો.