ભારતીય ટીમે શાનદાર શૈલીમાં બીજી ટેસ્ટ મેચ 7 વિકેટે જીતીને સિરીઝ 2-0થી જીતી લીધી હતી. ભારતેઘરઆંગણે સતત 18મી ટેસ્ટ સિરીઝ જીતી છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચના બે દિવસ વરસાદના કારણે એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. આ કારણે બધાને લાગ્યું કે આ ટેસ્ટ મેચ ડ્રો થશે, પરંતુ ભારતીય ટીમના બેટ્સમેનોએ એવું પ્રદર્શન કર્યું કે મેચનું પરિણામ સામે આવ્યું. ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50, 100, 150, 200 અને 250 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિવાય ટીમ ઈન્ડિયાએ શ્રેણીબદ્ધ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
ભારતીય બેટ્સમેનોએ ઝડપથી રન બનાવ્યા
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં 34.4 ઓવરની બેટિંગ કરી અને આ દરમિયાન કુલ 285 રન બનાવ્યા. આ દરમિયાન કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ફિફ્ટી ફટકારી હતી. ભારતીય બેટ્સમેનોએ પ્રથમ દાવમાં ઝડપથી રન બનાવ્યા હતા. જ્યારે બોલર આકાશ દીપ બેટિંગ કરવા આવ્યો ત્યારે પણ તેણે 5 બોલમાં 12 રન બનાવ્યા જેમાં બે સિક્સર સામેલ હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલે 45 બોલમાં 51 રન બનાવ્યા અને વિરાટ કોહલી 29 રન બનાવીને નોટઆઉટ રહ્યો. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયાએ માત્ર 17.2 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો.
ભારતે ઈંગ્લેન્ડના રેકોર્ડની બરાબરી કરી
ખાસ વાત એ હતી કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ બંને ઈનિંગ્સમાં કોઈ મેડન ઓવર રમી ન હતી. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે ટેસ્ટ મેચમાં કોઈ મેડન ઓવર રમી નથી અને ટેસ્ટ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડના 85 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1939માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે એક પણ મેડન ઓવર રમી ન હતી અને તે પછી તેણે ઈનિંગ અને 13 રનથી મેચ જીતી લીધી હતી.
જયસ્વાલે બંને દાવમાં ફિફ્ટી ફટકારી હતી
યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે મેચની બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 50થી ઓછા બોલમાં બંને ફિફ્ટી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 72 રન અને બીજી ઇનિંગમાં 51 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું. અશ્વિનને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.