હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025પર સૌની નજર ટકી છે. આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનના હાથમાં છે, જે ફેબ્રુઆરી અને માર્ચમાં રમાશે. પરંતુ ICCએ હજુ સુધી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ વિવાદ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવા માંગતી નથી અને હાઈબ્રિડ મોડલ માટે તૈયાર છે. પરંતુ PCB સમગ્ર ટૂર્નામેન્ટ પોતાના દેશમાં યોજવા માંગે છે. આવી સ્થિતિમાં ICCએ 29મી નવેમ્બરે તમામ બોર્ડની બેઠકનું આયોજન કર્યું હતું, જેથી આ ટૂર્નામેન્ટ અંગે અંતિમ નિર્ણય લઈ શકાય. પરંતુ આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. આ દરમિયાન આ બેઠકમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન એકલું પડ્યું
આ એક વર્ચ્યુઅલ મીટિંગ હતી, જે માત્ર 10 થી 15 મિનિટ જ ચાલી શકી હતી, ત્યારબાદ મીટિંગ 30મી નવેમ્બર એટલે કે આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ બેઠકમાં હાઈબ્રિડ મોડલ પર ચર્ચા થઈ હતી, જેમાં પાકિસ્તાન એકલું પડી ગયું હતું. એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા તમામ ક્રિકેટ બોર્ડ ભારત સાથે છે અને તેઓ હાઇબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર છે. પરંતુ પાકિસ્તાન હજુ પણ પોતાની જીદ પર અડગ છે. તે સમગ્ર ટૂર્નામેન્ટ માત્ર પાકિસ્તાનમાં જ કરાવવા માંગે છે.
તમામ દેશોએ હાઈબ્રીડ મોડલ માટે સંમતી દર્શાવી
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એકલું ઊભું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન હવે હોસ્ટિંગ રાઇટ્સ ગુમાવવાનો ભય છે. જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ બેઠકમાં પોતાની જીદ પર અડગ રહેશે તો તેને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. એવી અપેક્ષા છે કે આગામી 24-48 કલાકમાં કોઈ ઉકેલ મળી જશે અને ત્યારબાદ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ પણ જાહેર કરશે, કારણ કે હવે આ ટૂર્નામેન્ટ શરૂ થવામાં 3 મહિનાથી પણ ઓછો સમય બાકી છે.
આ પહેલા પણ હાઇબ્રિડ મોડલનો કરાયો છે ઉપયોગ
છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા નથી, જેના કારણે ભારતીય ટીમ આ દેશનો પ્રવાસ નથી કરતી. ICC ટુર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન જ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો રમાય છે. આ પહેલા પાકિસ્તાનને એશિયા કપ 2023ના યજમાન અધિકાર પણ મળ્યા હતા. પરંતુ તે પછી પણ ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. આ ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી અને ફાઈનલ પણ અહીં જ યોજાઈ હતી. એટલે કે એ જ ફોર્મ્યુલા ફરી એકવાર અજમાવી શકાય.