ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. કારણ કે પુણે ટેસ્ટ જીતીને કીવી ટીમે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે. પુણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ખૂબ જ નબળી બેટિંગ જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડનો મિશેલ સેન્ટનર એકલા હાથે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને પછાડતો જોવા મળ્યો હતો.
સેન્ટનેરે બંને દાવમાં વિરાટ કોહલીને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. તો બીજી ઈનિંગમાં રોહિત શર્માને પણ આઉટ કર્યો. હવે પુણે ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પૂર્વ દિગ્ગજનો ખાસ સંદેશ છે.
ઈરફાન પઠાણે આપીખાસ સલાહ
ટીમ ઈન્ડિયાના બે સૌથી સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી પુણે ટેસ્ટની બંને ઈનિંગ્સમાં ફ્લોપ સાબિત થયા હતા. ટીમ ઈન્ડિયાની બેટિંગ આ બંને ખેલાડીઓ પર ઘણી નિર્ભર છે. પરંતુ આ બંને ખેલાડીઓ સ્પિન સામે અસફળ સાબિત થઇ. પુણે ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટ્વીટ કરતા જણાવ્યું કે જો આપણે સ્પિન રમવામાં સુધારો કરવા ઈચ્છતા હોય, તો સાઇડ-આર્મ પ્રેક્ટિસ પર થોડો ઓછો ભાર આપો!.
ટીમ ઇન્ડિયા માટે કહી આ વાત
બીજી પોસ્ટમાં ઈરફાન પઠાણે લખ્યું, ન્યૂઝીલેન્ડને ભારતીય ધરતી પર શ્રેણી જીતવા બદલ અભિનંદન! ટીમ ઈન્ડિયા માટે ઘણું વિચારવાની જરૂર છે. સિનિયર ખેલાડીઓએ આગળ આવવું પડશે અને રમતના આ અંતિમ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવું પડશે. તેના માટે આગામી ત્રણ મહિના મહત્વના રહેશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી
ટેસ્ટ મેચ બાદ હવે ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવો પડશે. આ પ્રવાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ઘણું મહત્વનું છે. ત્યાં ભારતીય બેટ્સમેનોનો સામનો ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોન સાથે થશે, જેના માટે તમામ બેટ્સમેનોએ જોરશોરથી પ્રેક્ટિસ કરીને પોતાને તૈયાર કરવા પડશે.