ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 5 મેચની ટેસ્ટ સિરીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્માના રમવા પર શંકા છે. આવી સ્થિતિમાં તમામની નજર વિરાટ કોહલી પર ટકેલી છે. ચાહકોને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં મોટી ઇનિંગ રમી શકે છે. આ દરમિયાન એક મોટો રેકોર્ડ પણ તેના નિશાને છે.
આ રેકોર્ડ બનાવી શકે છે વિરાટ કોહલી
પર્થ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પાસે ઈતિહાસ રચવાની તક છે. ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 24 ટેસ્ટ મેચની 44 ઇનિંગ્સમાં 47.48ની એવરેજથી 2042 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 સદી અને 5 અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર તે 5મો બેટ્સમેન છે.
જો વિરાટ કોહલી પર્થ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 102 રન બનાવી લેશે તો તે ભારતના બે મહાન બેટ્સમેનોના રેકોર્ડ તોડી નાખશે. જો વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં 33 રન બનાવી લે છે તો તે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચેતેશ્વર પૂજારાને પાછળ છોડી દેશે. પુજારાએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 2074 રન બનાવ્યા છે. આ સિવાય વિરાટ કોહલી પાસે પણ રાહુલ દ્રવિડને પાછળ છોડવાની શાનદાર તક હશે. આ માટે તેણે 101 રન બનાવવા પડશે. દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામે 54 ટેસ્ટ ઇનિંગ્સમાં 2143 રન બનાવ્યા છે.
સચિન તેંડુલકરે બનાવ્યા છે સૌથી વધુ રન
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 74 ટેસ્ટ ઇનિંગ્સમાં 3630 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 11 સદી અને 16 સદી ફટકારી છે.
ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
- સચિન તેંડુલકર 3630 રન (74 ઇનિંગ્સ)
- વીવીએસ લક્ષ્મણ 2434 રન (54 ઇનિંગ્સ)
- રાહુલ દ્રવિડ 2143 રન (54 ઇનિંગ્સ)
- ચેતેશ્વર પૂજારા 2074 રન (45 ઇનિંગ્સ)
- વિરાટ કોહલી 2042 રન (44 ઇનિંગ્સ)