ભારતીય ટીમના ફાસ્ટ બોલર અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચના કેપ્ટન જસપ્રીત બુમરાહે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલીના જોરદાર વખાણ કર્યા છે. બુમરાહ કહે છે કે કોહલીને ટીમની જરૂર નથી, પરંતુ અમને તેની જરૂર છે. ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું
ભારતે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમ બીજા દાવમાં 238 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી. ભારતે બીજી ઇનિંગ છ વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી અને 533 રનની લીડ મેળવી લીધી હતી.
કોહલીએ રમી હતી શાનદાર ઈનિંગ!
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કોહલીએ સદી ફટકારી હતી. કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ તેણે પર્થમાં જોરદાર ઈનિંગ્સ રમીને ભારતની જીતમાં યોગદાન આપ્યું હતું. કોહલીએ 143 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં કોહલીની આ સાતમી ટેસ્ટ સદી હતી અને તેણે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદીના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. ઓસ્ટ્રેલિયામાં 6 વર્ષ બાદ ટેસ્ટ ફોર્મેટમાં કોહલીની આ પ્રથમ સદી હતી. આ પહેલા તેણે 2018માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ ફોર્મેટમાં છેલ્લી સદી ફટકારી હતી.
કોહલીને લઈ બુમરાહે કહી મોટી વાત
બુમરાહે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, હું કોહલી માટે કહીશ કે તેને અમારી જરૂર નથી, પરંતુ અમને તેની જરૂર છે. મેં પહેલા પણ કહ્યું હતું કે કોહલી સારા ફોર્મમાં દેખાય છે. જો કે, તે પ્રથમ દાવમાં સારા બોલ પર આઉટ થયો હતો, પરંતુ તેણે બીજી ઇનિંગ્સમાં સારું પ્રદર્શન કર્યું હતું. કોહલી ટીમનો ઘણો અનુભવી ખેલાડી છે અને આ તેનો ચોથો કે પાંચમો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે.
બુમરાહે ડે-નાઈટ ટેસ્ટ વિશે શું કહ્યું?
બુમરાહને 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાનાર બીજી ટેસ્ટ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ પિંક બોલથી રમાશે કારણ કે તે ડે-નાઈટ ટેસ્ટ હશે. આ અંગે બુમરાહે કહ્યું, આ વખતે પર્થની વિકેટ 2018માં જ્યારે અમે અહીં રમી હતી તેની સરખામણીમાં થોડી અલગ હતી. પ્રથમ દાવની સરખામણીમાં આ વિકેટમાં એક ફેરફાર જોવા મળ્યો હતો. અમે 2018 ના અનુભવમાંથી શીખ્યા જેણે અમને મદદ કરી. અત્યારે હું પિંક બોલ વિશે નથી વિચારી રહ્યો કારણ કે અમે હવે જીતી ગયા છીએ. જ્યારે અમે કેનબેરામાં કેમ્પ કરીશું ત્યારે તેના વિશે વિચારીશું.