ભાવનગર શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે તિજોરીના દરવાજા ખુલ્લા રાખ્યા છે, પરંતુ ભાવનગર કોર્પોરેશનને અને નેતાઓને વિકાસનું વિઝન નહીં હોવાથી તેમજ ટાંટીયા ખેંચમાં રચ્યા પચ્યા રહેવાને કારણે પ્રોજેક્ટનું આયોજન કરવામાં નિષ્ફળ નીવડે છે.
ભાવનગરની પ્રજા પરેશાન
શહેરમાં મહાનગરપાલિકાના વિભાગોના સંકલન અને આયોજનના અભાવે અનેક વિસ્તારોમાં થોડા વર્ષો પહેલા બનાવેલા રોડ ખોદી નાખવામાં આવ્યા છે અને ચોમાસા દરમિયાન ભાવનગર ખાડાનગર બનતું હતું, જે હાલમાં પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. શહેરમાં નવા રોડ અને બ્લોકનું નખ્ખોદ વાળ્યું, નવા રોડ કે બ્લોક હજુ તો નાખવામાં આવે ત્યાં જ લાઈનો, કેબલ વાયરો માટે રોડને ખોદવામાં આવે છે. ભાવનગરની પ્રજાના નાણા ખાડામાં વેડફાય છે.
કોર્પોરેશનના વિભાગોમાં સંકલનનો અભાવ
ભાવનગર શહેરમાં કોર્પોરેશનના વિભાગોના સંકલન અને આયોજનના અભાવે અનેક વિસ્તારોમાં થોડા વર્ષો પહેલા બનાવેલા રોડ ખોદી નાખવામાં આવ્યા છે અને ચોમાસા જેવી હાલમાં પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. ભાવનગર કોર્પોરેશનના વિભાગીય અધિકારીઓમાં સંકલનનો અભાવ હોવાની વાસ્તવિકતાને નકારી શકાય નહીં અને તે સંદર્ભે ખુદ શાસક પક્ષના સભ્યો અને પદાધિકારીઓ વારંવાર સ્ટેન્ડિંગ કમિટી તેમજ સાધારણ સભામાં ઉછળી ઉછળીને આક્રોશ ઠાલવતા હોય છે. વિભાગોના સંકલનના અભાવને કારણે પ્રજાના લાખો કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. તંત્રનાં સંકલનના અભાવને લઈ હાલ લાઈનો નાખવા માટે નવે નવા રોડ ખોદવામાં આવી રહ્યા છે અને લોકો પારાવાર મુશ્કેલીઓ અનુભવતા હોય છે.
આડેધડ રસ્તાઓ ખોદી કાઢવામાં આવ્યા
મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈપણ કામ શરૂ કરતાં પહેલાં તમામ વિભાગોના NOC લેવા ફરજિયાત હોવાની સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ નવા રોડ કે બ્લોક બનાવ્યા બાદ કેબલ અને લાઈનો નાખવા માટે રોડ અને બ્લોક ખોદવામાં આવી રહ્યા છે. જેને કારણે તોડભાગ થયેલા રોડ અને બ્લોક ફરીવાર બનાવી કોન્ટ્રાક્ટરોને રળાવતા હોય છે. ભાવનગર ચોમાસા દરમિયાન તો ખાડાનગર તરીકે જાણીતું છે. પરંતુ હાલમાં પણ શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના નામે મોટા મોટા ખાડાઓ કરવામાં આવ્યા છે. જ્યાં થોડા વર્ષો પહેલા જ રોડ બનાવવામાં આવ્યા હોય તે રોડને પણ ખોદી નાખવામાં આવ્યા છે. જેને કારણે પ્રજા હેરાન તો થઈ રહી છે, પરંતુ સાથોસાથ પ્રજાના રૂપિયા ખાડામાં જાય છે. જેથી ખરેખર કોર્પોરેશન દ્વારા ભવિષ્યને ધ્યાનમાં રાખી વિકાસ કામોના આયોજન કરવા જરૂરી બન્યું છે. હાલ તો સ્પષ્ટ દેખાય છે કે ભાવનગરની પ્રજાના નાણા ખાડામાં વેડફાયા છે.