ભાવનગરમાં હવે ગેરકાયદે તબેલા હટાવાશે, 45 ને નોટિસ ફટકારી

0


Updated: Jan 23rd, 2023

– શહેરમાં ઘણા ગેરકાયદે તબેલા, મનપા 5 દિવસ બાદ કાર્યવાહી કરશે 

– શહેરના બારશે મહાદેવની વાડી, વડવા-તલાવડી, માણેકવાડી, માલધારી સોસાયટીમાં મનપાના કર્મચારીઓએ તપાસ હાથ ધરી 

ભાવનગર : છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની તેમજ રજકા ડ્રાઈવ યથાવત છે, આ કામગીરીની સાથે હવે શહેરમાં ગેરકાયદે તબેલા પણ મહાપાલિકા દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. છેલ્લા બે દિવસથી ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં તપાસ કરી ગેરકાયદે તબેલા ધારકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે અને તબેલા ખાલી કરવા જણાવેલ છે. 

ભાવનગર મહાપાલિકાના કમિશનરની સુચના બાદ ગઈકાલે રવિવાર અને આજે સોમવારે મહાપાલિકાની ટીમે બારશે મહાદેવની વાડી, વડવા-તલાવડી, માણેકવાડી, માલધારી સોસાયટી વગેરે વિસ્તારમાં ગેરકાયદે તબેલાની તપાસ હાથ ધરી હતી. ઘરની બહાર તબેલા બનાવ્યા હોય, રોડ પર તબેલા બનાવી ઢોર રાખવામાં આવતા હોય તેવા ૪પ તબેલા ધારકોને મહાપાલિકા દ્વારા ર૬૦-૧ મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી. પાંચ દિવસમાં ગેરકાયદે તબેલા હટાવી લેવા મહાપાલિકાએ સુચના આપી છે, જો પાંચ દિવસમાં માલિકો દ્વારા તબીલા હટાવવામાં નહી આવે તો મહાપાલિકા દ્વારા તબેલા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મનપાના અધિકારી વઢવાણીયાએ માહિતી આપતા જણાવ્યુ હતું. 

આવતીકાલે મંગળવારે અન્ય વિસ્તારમાં મહાપાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે અને ગેરકાયદે તબેલા હશે, તેને નોટિસ આપવામાં આવશે. મહાપાલિકાએ નોટિસ ફટકારતા તબેલા ધારકોમાં ફફડાટ મચી જવા પામેલ છે. મહાપાલિકા દ્વારા કેવી કડક કામગીરી કરવામાં આવે છે ? તેની રાહ જોવી જ રહી. 

મનપાના કમિશનરની સુચના બાદ તબેલાના દબાણ દેખાયા 

ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘણા વર્ષોથી ગેરકાયદે તબેલાના દબાણ આવેલા છે પરંતુ મહાપાલિકા દ્વારા ભાગ્યે જ તબેલા દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હશે. મનપાના અધિકારી-કર્મચારીઓને અત્યાર સુધી તબેલાના દબાણ દેખાતા ના હતા પરંતુ મનપાના કમિશનર ઉપાધ્યાયએ સુચના આપતા કર્મચારીઓ દોડતા થયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *