અદાકારી,વાર્તા અને સંગીત જેમની ઓળખ છે તેવા ગ્રેટ શોમેન રાજ કપુરની આજે ૧૦૦ મી જયંતી છે.તેમની ફિલ્મોના ગીત આજે પણ દુનિયાભરમાં ગુંજે છે જેમાનું “આવારા હું.. યા ગર્દીશ મેં હું આસમાન કા તારા હૂં ” આજે પણ તેમની યાદ અપાવે છે.પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે શૈલેષ દ્વારા લખાયેલું અને મુકેશ દ્વારા ગવાયેલું આ ગીત રાજ કપૂરે નકારી કાઢ્યું હતું. પાછળથી જ્યારે આ ગીતે ધૂમ મચાવી તો તેમને પોતાના નિર્ણય પર પછતાવો થયો હતો.હવે આ આઇકોનિક સોન્ગ છે.
આવારા હું .. ગીતનો રાજ કપૂરે કર્યો હતો ઇનકાર
ઈતિહાસમાં આવા અનેક દાખલા છે જેમને ક્યારેક નકારી કાઢવામાં આવ્યા હોય અને તેમણે નવો જ ઈતિહાસ રચ્યો હોય. હિન્દી સિનેમાના મેગાસ્ટાર તરીકે જાણીતા અમિતાભ બચ્ચનને તેમના અવાજ અને ઊંચાઈને અને તે પહેલાં પણ શમશાદ બેગમ અને નૂરજહાંના જમાનામાં લતા મંગેશકરના અવાજને પણ ‘બહુ નરમ’ કહીને અવગણવામાં આવ્યો હતો. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે લતા મંગેશકર અને અમિતાભ બચ્ચને પોત-પોતાના ક્ષેત્રમાં કામ કરી ઉમદા છાપ પાડી.
રાજ કપૂરની ફિલ્મના આવારા હૂં…યા ગર્દીશ મેં હું આસમાન કા તારા હૂં… ગીતનો પણ આવો જ ઈતિહાસ છે. જે ગીતે રાજ કપૂરને વૈશ્વિક ઓળખ અપાવી અને તેમને આખી દુનિયામાં ખ્યાતિ અપાવી, એ ગીતને તેમણે અગાઉ નકારી કાઢ્યું હતું. આવારા ફિલ્મમાં સામેલ કરવાનો તેમણે ઇનકાર કરી દીધો હતો.આવારા ફિલ્મ ૧૯૫૧ માં બની પૂર્ણ થયું હતું પરંતુ શૈલેન્દ્ર દ્વારા લખાયેલ ગીત આવારા હૂં… રિલીઝ થાય ત્યાં સુધી ફિલ્મનો ભાગ બન્યું ન હતું. આ ગીત પાછળથી ફિલ્મમાં કેવી રીતે સામેલ થયું? રાજ કપૂરે તેને પહેલા કેમ નકારી કાઢ્યું? અને આમાં લેખક ખ્વાજા અહેમદ અબ્બાસની ભૂમિકા શું હતી? આ બધી રોમાંચક વાર્તા પર એક નજર..
‘આગ’ બાદ ‘બરસાત’ જીવનમાં વસંત લાવ્યું.
૧૯૪૮ માં રાજ કપૂરે “આગ” ફિલ્મ બનાવીને બધું ગુમાવી દીધું હતું. આ ફિલ્મ ફ્લોપ ગઈ પણ તેમનો ઈરાદો અકબંધ રહ્યો હતો.૧૯૪૯ માં રિલીઝ થયેલી બરસાતની સફળતા પછી, નિર્માતા-નિર્દેશક-અભિનેતા રાજ કપૂર, ગીતકાર-શૈલેન્દ્ર, સંગીતકાર- શંકર-જયકિશન, ગાયક-મુકેશનું જૂથ બન્યુ અને પછીથી પ્રખ્યાત ઉર્દૂ લેખક અને પટકથા લેખક-ખ્વાજા આ જૂથમાં જોડાયા. અહેમદ અબ્બાસ, જેમણે અગાઉ ‘ધરતી કે લાલ’ જેવી ફિલ્મો લખી હતી. રાજ કપૂરની આગામી ફિલ્મ આવારામાં આ ગ્રુપ એક થઈ અને આ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ રશિયાથી લઈને ચીન સુધી વિશ્વના અનેક દેશોમાં ધૂમ મચાવી. ખાસ કરીને આવારા હૂં… ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તે આજે પણ એક આઇકોનિક ગીત છે. પરંતુ રાજ કપૂરને આ ગીત પસંદ આવ્યું ન હતું અને એ ગીત વિના જ ફિલ્મ તૈયાર થઈ ગઈ હતી.
રાજ કપૂર જોખમ લેવા માંગતા નહતા.
દેશને આઝાદ થયાને ત્રણ વર્ષ જ થયા હતા.આગ ફિલ્મની નિષ્ફળતા તેમને નડી હતી. હવે તેમને ઘણી સુપરહિટ ફિલ્મોની જરૂર હતી. ત્યારે રાજ કપૂર આ ગીતને પોતાની ફિલ્મમાં સામેલ કરવાને લઈને મૂંઝવણમાં હતા.વાસ્તવમાં તે કોઈ જોખમ લેવા માંગતા ન હતા. બરસાત ફિલ્મ પછી પાછા રાજ કપૂર મોટા સેલિબ્રિટી બની ગયા હતા અને તેમની સરખામણીમાં શૈલેન્દ્રનો દરજ્જો નાનો હતો. તેથી, જ્યારે રાજ કપૂરે ના પાડી, ત્યારે શૈલેન્દ્રએ પણ ચૂપ રહેવાનું વધુ સારું માન્યું. જોકે, બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી અને એમાં કોઈ શંકા નથી કે રાજ કપૂર શરૂઆતથી જ શૈલેન્દ્રની કવિતાઓ અને ગીતોના ચાહક હતા.રાજ કપૂર કવિ શૈલેન્દ્રને ખૂબ માન આપતા હતા, શૈલેન્દ્ર પણ પોતાના મિત્ર રાજ કપૂરનો પૂરો આદર કરતા હતા.
લેખક કે.એ.અબ્બાસના સૂચનથી ઉમેરવામાં આવ્યું ગીત.
આવારાની રિલીઝ પહેલા રાજ કપૂરે ફરીથી ગીત સાંભળ્યું, પણ મનમાં શંકા હતી. યોગાનુયોગ તેમના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે તેમના અન્ય પ્રિય લેખક ખ્વાજા અહેમદ અબ્બાસ સાથે આવારા હૂં… ગીતને લઈ મળવાનું નક્કી કર્યું. રાજ કપૂર અને શૈલેન્દ્ર બંને કે.એ. અબ્બાસ પાસે ગયા અને ગીતની ચર્ચા કરી. ખ્વાજા અહેમદ અબ્બાસે ગીત સાંભળતા જ કહ્યું – આ તો અદ્ભુત છે અને જો તેને સામેલ કરવામાં આવે તો તે આવારાનું થીમ સોંગ બની શકે છે.પછીથી અબ્બાસ સાહેબના સૂચન પર રાજ કપૂરે તેમની બની ગયેલ ફિલ્મમાં આવારા હૂં… ગીતનો સમાવેશ કરવા માટે અલગથી શૂટિંગ કર્યું અને ત્યાર બાદ ફિલ્મને રિલીઝ માટે મોકલી દેવામાં આવી હતી.