Unsubscribe Email: સોશિયલ મીડિયાના જમાનામાં આજે દરેક વસ્તુ ઓનલાઇન થતી જોવા મળે છે. ઓનલાઇન માટે બે વસ્તુ ખૂબ જ જરૂરી છે: મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ. ઘણી કંપનીઓ ઇમેલ એડ્રેસ ફરજિયાત રાખે છે. આ ટૂ-વે-વેરિફિકેશન માટે પણ મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ બન્ને જરૂરી છે. આથી ઇમેલ એડ્રેસ દરેક જગ્યાએ જરૂરી છે, પરંતુ એને કારણે માથાનો દુખાવો પણ એટલો જ જોવા મળે છે, ખાસ કરીને નકામા ઇમેલ. આ ઇમેલને ડિલીટ કરવા જરૂરી છે.
ઓફર્સ માટે
ઇમેલ એડ્રેસ એટલા માટે કંપનીઓ જરૂરી રાખે છે કે એ દ્વારા યુઝર્સને નવી નવી ઓફર્સ જણાવી શકાય. યુઝર દરેક વેબસાઇટ અથવા તો કંપની પણ વારંવાર જઈને ચેક કરતો હોય એ જરૂરી નથી. આથી કંપનીઓ એ માટે ઇમેલ એડ્રેસનો ઉપયોગ કરે છે. એ દ્વારા યુઝરને જણાવે છે કે તેમની ઓફર શરૂ થઈ જાય છે. જો યુઝર એ ચેક કરે અને ખરીદી કરે તો તેમના માટે એ પ્રોફિટ છે અને ના કરે તો પણ તેમના માટે કંઈ ખોવાનું નથી.
ઇમેલને કારણે ફોનની સ્ટોરેજ ફુલ
આ પ્રકારના ઘણાં ઇમેલને કારણે ઇનબોક્સ ફૂલ થઈ જાય છે. આજે મોબાઇલનો ઉપયોગ કરવા માટે પણ ઇમેલ જરૂરી છે. એન્ડ્રોઇડનો ઉપયોગ કરનારા હોય કે પછી આઇફોન યુઝર હોય, દરેકના ફોનમાં ઇમેલ માટેની એપ્લિકેશન હોય જ છે. આથી આ પ્રકારના ઇમેલ આવતાં રહેતાં ઇનબોક્સ ફૂલ થઈ જાય છે. ઘણી કંપનીઓ ઘણાં ફોટો અને ગ્રાફિક્સનો ઉપયોગ કરવાથી તેમના ઇમેલની સાઇઝ પણ મોટી હોય છે. આ ઇમેલ ફોનની સ્ટોરેજનો ઉપયોગ કરે છે. આથી સમય સમયે ઇમેલને ડિલીટ કરવા જરૂરી છે.
આ। પણ વાંચો: દુનિયાભરના ગેમર્સ અટવાયા, પ્લેસ્ટેશનનું ગ્લોબલ આઉટેજ થતાં સોની તાબડતોડ કામે લાગ્યું
અનસબસ્ક્રાઇબ
ઘણી વાર એવું થાય છે કે યુઝરને આ પ્રકારના ઇમેલની જરૂર નથી હોતી. આથી તેમના માટે આ ઇમેલને અનસબસ્ક્રાઇબ કરવા જરૂરી બની જાય છે. ઘણી વાર એક જ વાર કોઈ વેબસાઇટનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. જોકે તેના ઇમેલ હંમેશાં આવતાં રહે છે. આથી જ્યારે પણ ઇમેલની જરૂર ન હોય ત્યારે એને અનસબસ્ક્રાઇબ કરી દેવા વધુ હિતાવહ છે.
કેવી રીતે કરશો અનસબસ્ક્રાઇબ
અનસસ્ક્રાઇબ કરવા માટે ઘણી રીત છે. મોટાભાગે દુનિયાભરના યુઝર જીમેલ, યાહૂ અને આઉટલૂકનો ઉપયોગ કરે છે. આથી દરેક દ્વારા આ ઇમેલ અનસબસ્ક્રાઇબ કરી શકાય.
unroll.me
આ માટે થર્ડ પાર્ટી વેબસાઇટ unroll.meનો ઉપયોગ કરી શકાય છે. આ વેબસાઇટ પર જઈને સાઇન અપ કરવાનું રહેશે. ત્યાર બાદ એ વેબસાઇટ એકાઉન્ટને સ્કેન કરશે. આ સ્કેન કર્યા બાદ કઈ કઈ વેબસાઇટને અનસબસ્ક્રાઇબ કરવી એનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. એમાં જે-જે વેબસાઇટને અનસબસ્ક્રાઇબ કરવી હોય, એને એક સાથે સિલેક્ટ કરીને એક ક્લિક દ્વારા અનસબસ્ક્રાઇબ કરી શકાશે.
Clean email
અનસબસ્ક્રાઇબ કરવા માટે આ પણ એક થર્ડ પાર્ટી વેબસાઇટ છે. એ વેબસાઇટ પર જઈને સાઇન અપ કરતાની સાથે જ એ પણ જે-જે વેબસાઇટને અનસબસ્ક્રાઇબ કરવું હોય એનું લિસ્ટ દેખાડી દેશે. એક સાથે આ તમામ વેબસાઇટને અનસબસ્ક્રાઇબ કરી શકાશે. આ સાથે જ ભવિષ્યમાં આવતાં ઇમેલને ઓટોમેટિક ડિલીટ કરવા કે પછી આર્કાઇવમાં રાખવા એનો પણ એક નિયમ બનાવી શકાય છે.
જીમેલ
જીમેલના ટૂલનો ઉપયોગ કરવા માટે બે ઓપ્શન છે. એક તો ઇમેલને ઓપન કરી, એમાં છેલ્લે અનસબસ્ક્રાઇબ આપ્યું હશે એના પર ક્લિક કરવાનું રહેશે. બીજી રીત છે સર્ચ બારમાં Unsubsribe ટાઇપ કરવું. આ સર્ચ થયા બાદ જે-જે સર્વિસને અનસબસ્ક્રાઇબ કરવી હોય એને સિલેક્ટ કરવી. ત્યાર બાદ Unsubsribe લિંક દેખાશે એના પર ક્લિક કરવું. આ સાથે જ યુઝર ફિલ્ટર ઓપ્શનનો પણ ઉપયોગ કરી શકે છે.
આઉટલૂક
આઉટલૂકને ઓપન કર્યા બાદ, એમાં સેટિંગ્સમાં જવું. ત્યાર બાદ ઇમેલ પર ક્લિક કર્યા બાદ, એમાં સબસ્ક્રિપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરતાંની સાથે જ યુઝર્સને દરેક પ્રકારના ઇમેલ એડ્રેસ જોવા મળશે, જેના પરથી પ્રમોશનલ ઇમેલ આવતાં હોય છે. આ દરેકને યુઝર અનસબસ્ક્રાઇબ કરી શકે છે. આ કરવાની સાથે, યુઝર આઉટલૂકમાં તેમના ઇનબોક્સને ક્લિન રાખી શકશે.
યાહૂ
જીમેલની જેમ, યાહૂમાં પણ દરેક ઇમેલને ઓપન કરીને એમાં નીચે અનસબસ્ક્રાઇબ લિંક આપી હોય, એના પર ક્લિક કરીને કરી શકાય છે. આ સિવાય, જે-તે ઇમેલને અનસબસ્ક્રાઇબ કરવા માગતા હોય, એને ઓપન કરવું. ત્યાર બાદ બાજુમાં થ્રી-ડોટ મેનુમાં જઈને અનસબસ્ક્રાઇબ પર ક્લિક કરીને એ કરી શકાશે.