ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામના લુહારી કામ કરતા શખ્સને કેટલાક વ્યાજખોરોએ રૂા.10 લાખનું ધિરાણ કરી વ્યાજ સાથે રકમની વસુલાત કરી હતી. ત્યારબાદ જુના ચેકો ઉપર ખોટા કેસ કરવાની ધમકી આપતા ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ગુજરાત મનીલેન્ડર્સ એકટ હેઠળ મટોડા ગામના બે વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વ્યાજખોરોએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મટોડાના ડાહ્યાભાઇ બાદરભાઇ પટેલ તથા નટુભાઇ ડાહ્યાભાઇ પટેલ વ્યાજદરે નાણાં ધિરનારનો ધંધો કરતા હોવાથી મટોડા ગામમાં રહી લુહારી કામ કરતા ભરતભાઇ મોતીભાઇ પંચાલને નાણાંની જરૂરીયાત પડતા રૂ.10 લાખની રકમ વર્ષ 2013 હાથ ઉછીના લીધા હતા. જોકે ભરતભાઇ મોતીભાઇ પંચાલે ઉછીના લીધેલા નાંણા વ્યાજ સાથે ચુકવી દીધા હતા. ત્યારબાદ ડાહ્યાભાઇ બાદરભાઇ પટેલ અને નટુભાઇ ડાહ્યાભાઇ પટેલે ભરતભાઇ પંચાલ પાસેથી કોરા ચેક લઇ વ્યાજે પૈસાની લેતીદેતી કરી હતી. તેમ છતા જુના ચેક ઉપર ખોટા કેસ કરવાની ધમકી આપી જાહેરમાં બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેથી ભરતભાઇ પંચાલે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ડાહ્યાભાઇ બાદરભાઇ પટેલ, નટુભાઇ ડાહ્યાભાઇ પટેલ (રહે.મટોડા, તા.ખેડબ્રહ્મા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યના પોલીસ વડાએ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો
રાજ્યમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના રાજ્ય પોલીસ વડાએ પરિપત્ર જારી કરીને આદેશ કર્યો હતો. વ્યાજખોરીની બદીને ડામવા માટે પરિપત્રમાં તમામ જિલ્લા અને શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. ગુંડા એક્ટ અને પાસા સહિતની જોગવાઈનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનારને પાસા હેઠળ જેલહવાલે કરાશે રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે હાલમાં જ સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે.