રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ અમરેલીના લિલિયામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વડોદરા, નવસારીમાં 3-3 ઈંચ વરસાદ સાથે પાવી જેતપુરમાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર, કવાંટ, કડીમાં 2-2 ઈંચ વરસાદ તથા પ્રાંતિજ, બોડેલી, વાલિયામાં 2-2 ઈંચ વરસાદ સાથે ગણદેવી, માંડવી, વાગરા, શિનોરમાં 2-2 ઈંચ આવ્યો છે.
ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો-પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે
હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તથા કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ફરીથી વધી રહી રહ્યું છે. હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને પવનની ગતિમાં પણ થોડો વધારો જોવા મળે તેવી શક્યતા છે. ગુજરાતમાં આ ચોમાસાના મહિનાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ છે, જે બાદ એવી શક્યતા છે કે રાજ્યમાં આ વર્ષનું ચોમાસું પૂરું થઈ જશે. તેમાં વરસાદથી ખેડૂતોને ફાયદો થયો છે.