ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસેના જંગલમાં ઢોર ચારતા સમયે માલધારી નાની બાળકીનો અવાજ સાંભળતા આજુબાજુમાં નજર કરતા પથ્થર નીચે જોતા તાજી જન્મેલી બાળકી મળી આવતા તંત્રને જાણ કરતાની સાથે જ તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં લઇ જઇ સારવાર શરૂ કરી સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડાઇ છે.
સમગ્ર વિસ્તારમાં જનેતા સામે રોષ વ્યકત કરાઇ રહયો છે
આમ કુમળી બાળકીને પથ્થર નીચે મુકી ત્યજી દેતા સમગ્ર વિસ્તારમાં આની જનેતા સામે રોષ વ્યકત કરાઇ રહયો છે. ત્યારે તાલુકા પોલીસે બાતમીદારોના આધારે બાળકીની માતા અને આરોપીનો ભેદ ઉકેલી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવોના સુત્રને સાર્થક કરવા માટે કવાયત ચલાવાઇ રહી છે ત્યારે અઠવાડીયા પહેલા મુળી તાલુકાના લીયા ગામની સીમમાં કોઇ નિર્દયી માતાએ જીવીત જન્મેલી બાળકીને ડોલમાં ત્યજી દીધી હતી. બે દિવસ પહેલા ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે 5 વર્ષની બાળકી ઉપર ઢગાએ દુષ્કર્મ આચર્યાની પણ ઘટના સામે આવી છે. એવામાં ધ્રાંગધ્રાના હરીપર ગામની સીમમાં અતી નીદનીય અને ધૃણાસ્પદ ગણાય એવુ નરાધમ કૃત્ય સામે આવ્યુ છે.
બાળકીને હરીપર ગામની સીમમાં જમીનમાં ખાડો કરી દાટી દઇ ઉપર પથ્થર મુકી દીધો
કોઇ નિર્દયી જનેતાએ બે ત્રણ દિવસ પહેલા જ જન્મેલી બાળકીને હરીપર ગામની સીમમાં જમીનમાં ખાડો કરી દાટી દઇ ઉપર પથ્થર મુકી દીધો હતો જેથી બાળકી મોતને ઘાટ ઉતરી જાય એવો ઇરાદો દેખાઇ રહયો છે. પરંતુ કહેવત છેને કે રામરાખે એને કોણ ચાખે અને વળી દીકરી એતો લક્ષ્મી-માતાનું સ્વરૂપ ગણાય છે. આ બાળકી જીવીત રહી ગઇ અને રડવાનો અવાજ પણ બાજુમાં ઢોર ચરાવતા હરીપર ગામના કુકાભાઇ તેજાભાઇ અને નરસીહભાઇ ઠાકોરને કાને સંભળાયો હતો, જેથી તેઓએ આજુબાજુમાં નજર કરતા પથ્થર નીચેથી અવાજ આવતો હોઇ પથ્થર ઉચો કરતા જમીનમાં દાટેલી જીવીત બાળકી જોતાની સાથે જ તાત્કાલીક તેઓએ હરીપરના મીતુલભાઇ પટેલને જાણ કરતા એમ્બ્યુલન્સ બોલાવી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.
પ્રેમી સહિત 2 મહિલા આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
જ્યાં ડોકટરે સારવાર આપી પોલીસની હાજરીમાં સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં વધારે સારવાર અર્થે મોકલતા હાલ બાળકી સ્વસ્થ હોવાનું જાણવા મળી રહયુ છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અજાણી મહિલા સામે બાળકીને જન્મ આપી ત્યજી દીધાની પોલીસ ફરીયાદ દાખલ કરી ઇન્ચાર્જ એસ.પી.વી.બી.જાડેજાનામાર્ગદર્શન હેઠળ તાલુકા પી.આઇ.ડી.ડી.ચાવડા,પી.એસ.આઇ.દિવાન,ઇન્દુભા અને સાગરભાઇ રબારીની ટીમે બાતમીદારોના આધારે તપાસ શરૂ કરતા પ્રેમસબંધ મામલે નવજાત બાળકીને દાટી હોવાનો ખુલાસો કરતા ઇસદ્રા ગામના પ્રેમી સહિત 2 મહિલા આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.