Ahmedabad: GTUએ 100 દિવસમાં 3.50 લાખ વિદ્યાર્થીના ક્રેડિટ ડેટા અપલોડ કર્યા
યુજીસી દ્વારા તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ માટે એકેડેમિક બેંક ક્રેડિટ-ડીજી લોકરની રચના કરીને તેના પર વિદ્યાર્થીઓની માર્કશીટ સહિતના ડેટા અપલોડ કરવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 100 દિવસમાં 3.50 લાખ વિદ્યાર્થીઓનો ડેટા અપલોડ કરી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ગુજરાતમાં પ્રથમ અને દેશમા બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
મહત્ત્વની વાત તો એ છે કે, ગુજરાત યુનિવર્સિટી આ યાદીમાં પ્રથમ-25ની યાદીમાં પણ આવી ન હોવાનું જાણવા મળે છે. નવી શિક્ષણનીતિ મુજબ વિદ્યાર્થીઓને વિષય મુજબ ક્રેડિટ આપવાની જોગવાઈ અમલમાં મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓના પરિણામ એટલે કે માર્કશીટમાં ક્રેડિટ દર્શાવવામાં આવતી હોય છે. જે અન્વયે યુજીસી દ્વારા તમામ વિદ્યાર્થીઓની એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ (ABC) આઈડી બનાવવાની સૂચના આપવામાં આવી હતી. આઈડીમાં વિદ્યાર્થીને કયા વિષયમાં કેટલી ક્રેડિટ મળી છે તે જાણી શકાય. યુજીસીની સુચના બાદ દેશમાંથી અંદાજે 800 યુનિવર્સિટીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ તમામ યુનિવર્સિટીઓનો પોતાના વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જે પૈકી 450 યુનિવર્સિટીઓ આ ડેટા અપલોડ કર્યા હતા, જેની વિગતો યુજીસી દ્વારા જાહેર કરવામાં આવી છે. યુજીસીઓ સૌથી ઝડપી કામગીરી કરનાર કુલ 25 યુનિવર્સિટીની યાદી જાહેરકરવામા આવી છે.
આ યાદીમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દેશમાં બીજા અને રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે. GTU દ્વારા પ્રથમ 100 દિવસમાં સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓનો ડેટા અપલોડ કર્યો છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી કુલ સાડા સાત લાખ વિદ્યાર્થીઓનો ડેટા અપલોડ થયો છે જેમાં 50 ટકામાં એકલી જીટીયુ જોવા મળી છે. આ ટોપ-25ની યાદીમાં ગુજરાત યુનિવર્સિટીનો ક્યાંય સમાવેશ થયો નથી, જે ઘણી શરમજનક વાત કહી શકાય. કારણ કે, સુરતની વીર નર્મદ યુનિવર્સિટીએ પણ છઠ્ઠા ક્રમે સ્થાન મેળવ્યું છે.