New System For Fraud Calls: ભારતમાં ફ્રોડ કોલ્સની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. સરકાર અને કંપનીઓ દ્વારા ઘણા નંબરને બ્લોક કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે છેતરપિંડી કરનારા ભારતની બહારના નંબરનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે. આથી સરકારે નવી સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમની મદદથી હવે આ પ્રકારના ફ્રોડ કોલ્સને શોધીને બ્લોક કરી શકાશે, જેથી યુઝર્સને પરેશાની ઓછી રહે અને છેતરાવવાનો ભય પણ ઓછો રહે.
24 કલાકમાં 90 ટકા રિઝલ્ટ
યુનિયન મિનિસ્ટર ઑફ કમ્યુનિકેશન જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આ નવી સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. ભારતના નાગરિકોની ડિજિટલ સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ કોમ્યુનિકેશન અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે મળીને આ સિસ્ટમ બનાવાઈ છે. આ સિસ્ટમનો ઉપયોગ શરુ કર્યાના પહેલાં 24 કલાકમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સે 1.35 કરોડ ફ્રોડ કોલ્સને શોધીને બ્લોક કર્યા છે.
વિદેશી નંબર બન્યો દેશી
ભારતમાં હાલ વિદેશી નંબર પરથી ઘણાં ફ્રોડ થઈ રહ્યા છે, પરંતુ એ નંબર જ્યારે મોબાઇલ પર આવે છે ત્યારે એ દેશી એટલે કે ભારતનો નંબર હોય એવો દેખાય છે. આ ફોન કોલ્સ મોટા ભાગે નાણાં સંબંધિત ફ્રોડ સાથે સંકળાયેલા હોય છે. સામાન્ય માણસથી લઈને મોટા-મોટા ઑફિસર્સ અને નેતાઓ સુધીના લોકોને આ પ્રકારના ફોન આવે છે. આથી કોલર આઇડીમાં દેશી નંબર હોય, પરંતુ મૂળમાં વિદેશી નંબર હોય એને શોધીને બ્લોક કરવામાં આવી રહ્યા છે.
સિસ્ટમને બાયપાસ કરવાનો ડર
શરુઆત ખૂબ જ સારી થઈ છે, પરંતુ ડિપાર્ટમેન્ટ ઑફ કોમ્યુનિકેશનને ડર છે કે સાયબર ક્રિમિનલ્સ આ સિસ્ટમને બાયપાસ કરવાનો રસ્તો શોધી કાઢશે. આથી સરકારે જેઓ પણ યૂઝર્સને આ પ્રકારના ફોન આવે છે, તેમને તરત જ રિપોર્ટ કરવા વિનંતી કરી છે. તેમજ સરકાર પણ જેમ જેમ ફ્રોડ થવાના નવા રસ્તા બનાવશે તેમ તેમ તેને બ્લોક કરવાની રીતો શોધશે.