સરકાર જીએસટીમાંથી સતત કમાણી કરી રહી છે. આ આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં GSTથી ભારતે 6.5 ટકા વધુ કમાણી કરી છે. પરંતુ ઓગસ્ટ મહિનાની સરખામણીમાં આ આંકડો ઓછો છે. જો આપણે ઓવરઓલ નજર કરીએ તો, સરકારે વર્ષના 9 મહિનામાં જીએસટીથી રૂ. 9 લાખ કરોડથી વધુની કમાણી કરી છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં આ આંકડો 8 લાખ કરોડ રૂપિયાથી વધુ હતો. તમને જણાવીએ કે સરકાર દ્વારા GST કલેક્શનના કયા પ્રકારના આંકડા રજૂ કરવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર મહિનાના જીએસટી કલેક્શનના આંકડા
સરકારે સપ્ટેમ્બર મહિનાના જીએસટી કલેક્શનના આંકડા રજૂ કર્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 6.5 ટકાના વધારા સાથે રૂ. 1.73 લાખ કરોડ જોવા મળ્યું છે. ગયા વર્ષે આ જ મહિનામાં સરકારે જીએસટી તરીકે 1.63 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. સરકારના જણાવ્યા મુજબ રિફંડ બાદ સપ્ટેમ્બરમાં સરકારનું નેટ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે લગભગ 4 ટકા વધીને રૂ. 1.53 લાખ કરોડ થયું છે.
ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન
ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 10 ટકા વધીને રૂ. 1,74,962 કરોડ થયું હતું. ઓગસ્ટ 2023માં કુલ જીએસટી આવક 1,59,069 કરોડ રૂપિયા હતી. જુલાઈ મહિનામાં કુલ કલેક્શન 182,075 કરોડ રૂપિયા હતું. 2024માં અત્યાર સુધીમાં કુલ જીએસટી કલેક્શન 10.1 ટકા વધીને 9.13 લાખ કરોડ રૂપિયા થયું છે, જ્યારે 2023માં સમાન સમયગાળામાં 8.29 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા હતા.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણના નેતૃત્વમાં 9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટી દર ઘટાડવા અંગે વિચારણા કરવા માટે પ્રધાનોના જૂથ (GoM)ની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં જીઓએમ ઓક્ટોબરના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. કાઉન્સિલે કેન્સરની દવાઓ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા અને નાસ્તા પર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કર્યો છે.