Google Gemini Live: ગૂગલે દુનિયાભરમાં તેનું જેમિની લાઇવ ફીચરને રિલીઝ કર્યું છે. આ ફીચર પહેલાં જેમિનીના એડવાન્સ ફીચર તરીકે કામ કરતું હતું. એટલે કે સબસ્ક્રાઇબર દ્વારા જ તેનો ઉપયોગ કરી શકાતો હતો. જોકે એ ફીચરને હવે દુનિયાભરના એન્ડ્રોઇડ યુઝર્સ માટે મફત રિલીઝ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વાતચિત કરી શકશે. જો કે મફત યુઝર્સ માટે લિમિટેડ વોઇસ ઓપ્શન અને બેસિક ફીચર્સ જ હશે.
એન્ડ્રોઇડ યુઝર્સ માટે જેમિની લાઇવ
ગૂગલ દ્વારા જેમિનીના અમુક ફીચર્સ દુનિયાભરના એન્ડ્રોઇડ યુઝર્સ ઉપયોગ કરી શકે એ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ફીચર પહેલાં ગૂગલ વન AI પ્રીમિયમ પ્લાનમાં આવતું હતું. આ ફીચર યુઝર્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વાત કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. હવે યુઝર્સની સાથે મોબાઇલ પણ બોલીને જવાબ આપશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝર્સની સાથે હવે એકદમ ચોક્કસ રીતે બોલીને જવાબ આપશે અને એમાં વોઇસ મોડ્યુલેશન પણ જોવા મળશે. વોઇસ મોડ્યુલેશનને કારણે યુઝર્સને નેચરલ વાત કરતાં હોય એવો અહેસાસ થશે. એન્ડ્રોઇડ મફત યુઝર્સ જેમિની લાઇવનો ઉપયોગ તો કરી શકશે, પરંતુ તેમને અવાજ પસંદ કરવાની ચોઈસ અપાશે નહીં. પ્રીમિયમ યુઝર્સ દસ પ્રકારના અવાજમાંથી કોઈનો પણ અવાજ પસંદ કરી શકશે.
જેમિની લાઇવ કેવી રીતે કામ કરશે?
જેમિની લાઇવ હજી ટ્રેનિંગ સ્ટેજમાં છે. આથી તે ChatGPTના એડવાન્સ વોઇસ મોડ જેટલો રિસ્પોન્સ નથી આપતી. જો કે વાતચિત કરવા માટે જેમિની હજી પણ ખૂબ જ સારું ટૂલ સાબિત થઈ શકે છે. વાતચિતને કારણે યુઝર્સને ઇમેલ હોય કે પછી મેસેજ કોઈ પણ બાબતમાં વિગતવાર માહિતી મળી શકશે. ફૂલ સ્ક્રીન ઇન્ટરફેસને ફોન કોલ ચાલી રહ્યો હોય એ પ્રકારનું બનાવવામાં આવ્યું છે. તેમ જ વાતચિતને કન્ટ્રોલ કરવા માટે હોલ્ડ અને એન્ડ બટન આપવામાં આવ્યું છે.
જેમિની લાઇવનો ઉપયોગ કેવી રીતે કરશો?
સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પરથી જેમિની એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે. ત્યાર બાદ એપ્લિકેશન ઓપન કરીને નીચે જમણી બાજુએ એક સાઉન્ડવેવના ચિત્ર બટન આપેલું હશે તે પર ક્લિક કરતાં જેમિની લાઇવ શરૂ થશે. પહેલી વાર ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાથી ટર્મ્સ અને કન્ડિશન્સને સ્વીકારવા માટે પૂછવામાં આવશે. એનો સ્વીકાર કર્યા બાદ જેમિની લાઇવનું ઇન્ટરફેસ યુઝર્સની સામે આવી જશે. ત્યાર બાદ વાતચિત શરૂ કરતાની સાથે જ જેમિની દ્વારા જવાબ આપવામાં આવશે. વાતચિત દરમ્યાન, જેમિનીને અટકાવી નવો કમાન્ડ આપવા માટે હોલ્ડ બટન પર ક્લિક કરવું અને ફરી વાત શરૂ કરવી. આ બટન ખાસ મધ્યમાં વાત કરતા અટકાવવાની ટેવ ધરાવતા લોકો માટે આપવામાં આવ્યું છે.