Meta AI Fake Message: સોશિયલ મીડિયા પર હાલમાં ‘Goodbye Meta AI’ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગને કારણે દુનિયાભરના લાખો લોકો છેતરાયા છે. એમાં હોલીવુડના કેટલાક સ્ટાર્સ પણ બાકાત નથી. આ હેશટેગ કેમ ચાલુ થયું અને એ શું છે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આ હેશટેગ ટ્રેન્ડિંગમાં ચાલ્યું હતું. એ એટલું ટ્રેન્ડમાં ચાલ્યું કે મેટા કંપનીએ વિશે સ્ટેટમેન્ટ પણ જાહેર કરવું પડ્યું હતું.
શું છે ‘Goodbye Meta AI’ ટ્રેન્ડ?
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઘણાં લોકો સ્ટોરીમાં એક પોસ્ટ લખી રહ્યાં છે. આ પોસ્ટમાં તેઓ મેટાનો વિરોધ કરી રહ્યાં છે કે તેમના ફોટો અને પર્સનલ ડેટાનો ઉપયોગ કરવામાં ન આવે. આ પોસ્ટ શેર કરવાથી લીગલ કાર્યવાહીમાંથી બચી શકાશે એવો એક મેસેજ ફરી રહ્યો છે. આથી કોઈ દિવસ કંઈ થયું તો મેટા કંપની યુઝર પર વાંધો નહીં ઉઠાવી શકે.
ટ્રેન્ડ થવાનું કારણ શું?
જૂનમાં મેટા કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે તેઓ તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલને ટ્રેઇન કરવા માટે પબ્લિક પોસ્ટનો ઉપયોગ કરશે. આ જાહેરાત બાદ છેક ત્રણ મહિના બાદ આ ટ્રેન્ડ ચર્ચામાં આવ્યો છે અને એ પણ ખોટી માહિતીને કારણે.
આ પણ વાંચો: ગૂગલ વર્કસ્પેસ યુઝર માટે આવ્યું નવું ફીચર, જીમેલ હવે આપશે સ્માર્ટ રિપ્લાય
મેટા કેમ કરી રહી છે ફોટા અને ડેટાનો ઉપયોગ?
મેટા કંપની તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ‘Meta AI’ને ટ્રેઇનિંગ આપવા માટે યુઝરના ફોટો અને ડેટાનો ઉપયોગ કરી રહી છે. આ માટે ઘણાં લોકોએ એનો વિરોધ કર્યો છે. જોકે Meta AI વધુ સારી રીતે કામ આપે એ માટે તેને ટ્રેઇનિંગ આપવી જરૂરી છે. આ માટે કંપની Meta AIને જે સવાલ કરવામાં આવે છે અને જે માહિતી આપવામાં આવે છે એનો ઉપયોગ કરે છે.
કોણ કોણ છેતરાયું?
આ ટ્રેન્ડમાં હોલીવુડની ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘X-Men’માં કામ કરનાર જેમ્સ મેકએવોય અને ‘હાઇ સ્કૂલ મ્યુઝિકલ’ સીરિઝમાં કામ કરનાર એશલી ટિસડેલ પણ છેતરાયા હતા. ભૂતપૂર્વ NFL પ્લેયર ટોમ બ્રેડી સહિત ઘણી સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. તેમણે પણ આ પોસ્ટને રી-શેર કરી હતી. એમાં છ લાખથી વધુ સામાન્ય લોકો પણ આવી જાય છે.
મેટા કંપનીએ શું કહ્યું?
આ ટ્રેન્ડ ખૂબ જ ચર્ચામાં આવતાં મેટા કંપનીએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે ‘આ સ્ટોરને શેર કરવાથી યુઝરને અમારી પોલિસીથી વાંધો છે એવું ક્યારેય સાબીત નહીં થાય. જો યુઝરને ખરેખર વાંધો હોય તો તેમણે પ્રાઇવસી સેટિંગ્સમાં જઈને રાઇટ ટૂ ઓબ્જેક્ટમાં જઈને ઓપ્ટ આઉટ ફોર્મ ભરવાનું રહેશે. આટલું કરતાં યુઝરની પોસ્ટનો ઉપયોગ કરવામાં નહીં આવે.’