સીંગતેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારમાં તેલનો ભાવ વધારે હતો પરંતુ આ ચોમાસામાં મગફળીની આવક વધારે થતાં સીંગતેલના 15 કિલોના ભાવમાં 150 રૂપિયા અને કપાસિયા તેલના 15 કિલોના ભાવમાં 50 થી 75 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
દિવાળીના સમયમાં સીંગતેલના 15 કિલોના ભાવ 2700 રૂપિયા સુધી પહોંચ્યા હતા. નવી મગફળી પિલાણ માટે આવતા ખાદ્યતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે 150 રૂપિયા જેવો ભાવ ઘટાડો થયો. કપાસીયા અને અન્ય સાઈડ તેલમાં પણ 50 થી 75 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. લગ્નની સીઝન હોવાથી હાલ બારમાસી તેલ ભરવા માટે ગ્રાહકોની ખરીદી આગામી સપ્તાહથી શરુ થશે. કપાસીયા તેલ ડબ્બો 2155 થી 2250 આસપાસ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બારમાસી સીઝન, હાલ તળિયાના ભાવ છે. ખરીદી વધતા થોડો ભાવ વધી શકે છે.
આ વર્ષે મગફળીના વાવેતરમાં ખેડૂતોમાં ઉત્સાહ વધારે રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં વાવેતર વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં માત્ર ગુજરાતમાં જ મગફળીનું 46.45 લાખ ટન ઉત્પાદન થયું હતું અને આ વર્ષે વાવેતરમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો નોંધાયો છે ત્યારે ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ એક દિવસમાં જ રાજકોટના તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ 15 કિલોના ડબ્બા દીઠ 150 રૂપિયા ઘટ્યો.
સિંગતેલના ભાવમાં ઘટાડો
વરસાદે વિરામ લેતા તેમજ ચોમાસુ પાક દરમિયાન મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થશે. તેવા આશાવાદના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સિંગતેલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂપિયા 150નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ સીંગતેલનો નવો ડબ્બાનો ભાવ 2550 આસપાસ જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો નવો ડબ્બો હાલ 1850 રૂપિયા આસપાસ મળી રહ્યો છે. પામોલીન તેલનો નવો ડબ્બો હાલ 1750 થી 1760 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. સનફ્લાવર તેલનો નવો ડબ્બો ખાલી 1550 થી 1560 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે.