ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે આધારકાર્ડ માં જરૂરી સુધારા કરાવવા માટે અરજદારોની વહેલી સવારથી મોટી કતારો ખડકાયેલી જોવા મળી હતી. દૂર દૂરથી અરજદારો વહેલી સવારે આવી કતારોમાં પોતાના નાના બાળકો અને વૃદ્ધ સહિત ને લઈ કામગીરી માટે આવ્યા હતા.
જોકે કેટલાક અરજદારોએ બે દિવસથી ધક્કા ખાધા હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર બાબતની જાણ જિલ્લા પુરવઠા અધિકારીને થતાં તેઓ દ્વારા શહેરાથી આધારકાર્ડ અપડેટ કામગીરી માટે વધુ કિટની વ્યવસ્થા કરી કચેરીમાં જામેલ કતારો ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આધારકાર્ડ એ દરેક સરકારી યોજના નો લાભ મેળવવા માટે હવે જાણે મહત્વનો અંગ બન્યું હોય એવું જોવા મળી રહ્યું છે. શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ આધાર કાર્ડ લિંકિંગ કરાવવું જરૂરી હોય છે. એવી જ રીતે રેશનકાર્ડમાં પણ એ ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ,જેથી અરજદારો હવે પોતાના આધારકાર્ડમાં જરૂરી અપડેટ અને નવા આધાર કાર્ડ કઢાવવા માટે દોડધામ કરતાં જોવા મળી રહ્યા છે .ગોધરા તાલુકા પંચાયત આધાર કાર્ડ કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ કેટલાક અરજદારો કતારમાં આવી પોતાની કામગીરી પૂર્ણ થઈ જશે એવા વિશ્વાસ સાથે મોડી સાંજ સુધી ખડકાયેલા રહ્યા બાદ વિલા મોંઢે પરત જતાં હોવાનું પણ અરજદારો જણાવતાં જોવા મળી રહ્યા છે .
મંગળવારે ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા આધારકાર્ડ સેન્ટર ખાતે વહેલી સવારથી મોટી કતારોમાં અરજદારો ફૂલ ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે પણ આધાર કાર્ડ અપડેટ માટે ઉભેલા જોવાયા હતા. જોકે કેટલાક અરજદારો અગાઉ દિવસે આખો દિવસ આધારકાર્ડમાં અપડેટ ની કામગીરી માટે આવ્યા બાદ પણ તેઓને પોતાનું કામ પૂર્ણ નહીં થતું થતાં વિલા મોંઢે પરત ફરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું અરજદારોએ જણાવ્યું હતું. ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે આધારકાર્ડ અપડેટ માટેની ચાર કીટ કાર્યરત છે પરંતુ ગોધરા ખાતે આવેલા અન્ય આધાર કાર્ડ કેન્દ્ર બંધ રહેતા અરજદારોનો ઘસારો તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા આધાર કાર્ડ કેન્દ્ર ખાતે જોવા મળ્યો હતો. દરમિયાન કેટલાક અરજદારોમાં કતાર તોડી સીધા જ આધાર કેન્દ્રમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં આંતરિક ઘર્ષણની પણ ઘટનાઓ જોવા મળી હતી .જોકે આધાર કાર્ડ અપડેટ માટે મસ મોટી કતાર અંગેની જાણ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા ને થતાં તેઓ દ્વારા શહેરાથી આધારકાર્ડ કીટ અને ઓપરેટરને બોલાવી ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે અરજદારો માટે કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવતાં ભીડમાં ઘટાડો થયો હતો.
પંચમહાલ જિલ્લામાં શનિ-રવિવારની રજાના દિવસે 34 હજાર રેશનકાર્ડનું ઇ કેવાયસી કરાયું
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા શનિવાર અને રવિવારની રજાના દિવસે પણ જિલ્લાની તમામની સરકારી સસ્તા અનાજની દુકાનો ખાતે રેશનકાર્ડમાં ઇ કેવાયસી કામગીરી માટે વીસીઇને બેસાડાયા હતા. જેને પગલે પંચમહાલ જિલ્લામાં બે દિવસમાં 34 હજાર રેશનકાર્ડનું ઇ કેવાયસી કરવાની કામગીરી સંપન્ન થઇ છે. અગાઉ પણ જિલ્લામાં 70 % રેશનકાર્ડનું ઇ-કેવાયસી થકી હાલ જિલ્લાનું રેશનકાર્ડમાં ઇ કેવાયસી કામગીરીમાં રાજ્યમાં મોખરે સ્થાન હોવાનું જાણવા મળ્યું હતું.
છેલ્લી ઘડીએ અરજદારોમાં દોડધામ
આધારકાર્ડ અપડેટ સહિતની કામગીરી માટે સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત ખાતે વીસીઇ મારફ્તે અને આધાર કેન્દ્રોમાં પણ આધારમાં જરૂરી સુધારા વધારા ની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક અરજદારો જ્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવાનો હોય એમ દોડધામ કરતાં જોવા મળી રહ્યા છે. અગાઉથી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પોતાના સંતાનો અને પોતાના આધાર કાર્ડ નવા કઢાવવા ઉપરાંત જરૂરી અપડેટ કરાવવાની બાબતમાં ઉદાસીનતા સેવતા હોય છે અને આખરી તબક્કામાં નાણાં, સમયનો વેડફાટ કરી પોતાની જાતને પણ શારીરિક તકલીફ્ આપી આધાર કેન્દ્રની કતારમાં ખડકાતાં જોવા મળી રહ્યા છે.