ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી 4 મેચની T20 સિરીઝની છેલ્લી મેચમાં ICCએ દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલર ગેરાલ્ડ કોએત્ઝીને મોટો ઝટકો આપ્યો છે. તેને આ મેચમાં અમ્પાયરના નિર્ણય સાથે અસહમતિ વ્યક્ત કરી હતી, જે બાદ હવે ICCએ તેની સામે મોટી કાર્યવાહી કરી છે. ICC એ કલમ 2.8 નો ભંગ ગણ્યો અને તેને 1 ડીમેરિટ પોઈન્ટ આપ્યો.
ICCએ ગેરાલ્ડ કોએત્ઝીને આપ્યો ઠપકો
તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન અમ્પાયરે ગેરાલ્ડ કોએત્ઝીના એક બોલને વાઈડ જાહેર કર્યો હતો, જેના કારણે બોલર નાખુશ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને અમ્પાયર પ્રત્યે અયોગ્ય કોમેન્ટ કરી, જેણે ICC કોડની કલમ 2.8નું ઉલ્લંઘન કર્યું, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણયથી અસંમતિ દર્શાવવા સાથે સંબંધિત છે. તેને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા પ્રસ્તાવિત દંડનો સ્વીકાર કર્યો, પરંતુ ઔપચારિક સુનાવણી ટાળી દીધી.
જોહાનિસબર્ગમાં આયોજિત આ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ માટે સંજુ સેમસન (109*) અને તિલક વર્મા (120*)ની અણનમ સદીની ઈનિંગ્સની મદદથી 1 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા.
https://twitter.com/ICC/status/1858850440512761969
બીજી ઈનિંગ્સમાં સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને સૂર્યકુમાર યાદવ એન્ડ કંપનીએ 125 રનથી મેચ જીતી લીધી હતી. આ જીતની મદદથી ભારતે સિરીઝ 3-1થી જીતવામાં સફળતા મેળવી હતી. મેચમાં ગેરાલ્ડ કોએત્ઝીએ તેની ત્રણ ઓવરના સ્પેલમાં 43 રન આપ્યા હતા અને તે કોઈ વિકેટ લઈ શક્યો ન હતો.
ગેરાલ્ડ કોએત્ઝી સિવાય આ બે ખેલાડીઓને પણ મળી સજા
ગેરાલ્ડ કોએત્ઝી સિવાય નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ અને ઓમાનના બોલર સુફયાન મહમૂદને પણ T20 ઈન્ટરનેશનલ દરમિયાન ICC આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડનો સામનો કરવો પડ્યો હતો.
એડવર્ડ્સે બે અલગ અલગ નિયમોનું ઉલ્લંઘન કર્યું. એલબીડબ્લ્યુ આઉટ થયા બાદ તેને પહેલા તેના બેટથી ઈશારા કરીને અસંમતિ દર્શાવી અને બાદમાં હતાશામાં પોતાનું બેટ અને ગ્લોવ્ઝ જમીન પર ફેંકી દીધા. નેધરલેન્ડના કેપ્ટનને તેની મેચ ફીના 10% દંડ અને કલમ 2.8 અને 2.2 ના ભંગ બદલ બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. સુફયાન મહમૂદને કલમ 2.5ના ભંગ બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેની મેચ ફીના 10% દંડ અને એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.