કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિએ જમાઈને ફાર્મ હાઉસમાં લઈ જઈ મારપીટ કરતા જમાઈનું મોત નીપજ્યું છે. રૂપાજી પ્રજાપતિએ જમાઈ અને તેના ભાઈનું અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. ફાર્મ હાઉસમાં રૂપાજી અને તેમના 20 થી વધુ મળતીયાઓએ બંને ભાઈઓને ઢોર માર માર્યો હતો.
20 થી 25 લોકોએ બંને ભાઈઓને માર્યા
બંને ભાઈઓને ફાર્મ હાઉસમાં લઈ ગયા પછી રૂપાજી પ્રજાપતિના મળતીયાઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ ભાવેશ મોહનભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 26નું હોસ્પિટલમાં મોત થયું હતું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ સતીશ મોહનભાઈ પ્રજાપતિને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે.
બિલ્ડર રૂપાજીને ઝડપી લેવા પોલીસની દોડધામ
મૃતકને રૂપાજીના ફાર્મ હાઉસમાં લઈ જઈને 25 થી વધુ લોકોએ ઢોર માર માર્યો હોવાની ફરિયાદ થતાં હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ દોડતી થઈ છે.
અમદાવાદ માધવપુરા રહેતા મોહનભાઈ ગણાજી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમને ત્રણેય બાપ દીકરાને અહીં કલોલ રૂપાજીની સાઈટ ઉપર બોલાવ્યા હતા. અમે એમની ઓફિસે જઈને બેઠા હતા. ત્યારે તેમણે મને કહ્યું કે તમે અહીં રોકાવ હું જઉં છું એમને લઈને તે ગયો. હું ત્યાં જ બેઠો રહ્યો. ત્યાર બાદ થોડીવાર પછી મને અચાનક ફોન આવ્યો કે તમારા બાબાનો અકસ્માત થયો છે. મારા દીકરાનું નામ પ્રજાપતિ સતિષ અને નાના દીકરાનું નામ ભાવેશ પ્રજાપતિ છે. નાનો દીકરો મરી ગયો છે. મોટો દીકરો હાલ ગંભીર છે. તેને અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લગભગ 4 થી 6ની વચ્ચે આ ઘટના બની હતી. મને તો તેમની ઓફિસે બેસવાનું કહ્યું હતું તેથી હું તો ત્યાં બેઠો હતો. મને કોઈના દ્વારા ખબર પડી ત્યાર બાદ હું અહીં પહોંચ્યો છું.
જો કે ઘાયલ હાલ અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જ્યારે મૃતક યુવકના પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે, બિલ્ડર રૂપાજીએ અમને ઓફિસે બોલાવ્યા હતા અને મને ઓફિસે બેસવાનું કહી મારા દીકરાને લઈને ગયા હતા. જે બાદ કલોલમાં સમી સાંજે આ ઘટના બની છે. જેથી મારા દીકરાના મોત માટે બિલ્ડર જવાબદાર છે. જો કે સાચી હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે.