ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ- અધિકારીઓને મળવાપાત્ર અવસાન- નિવૃતિ પછી ગ્રેજ્યુઈટીની રકમમાં રૂપિયા પાંચ લાખનો વધારો કર્યો છે. ભારત સરકારે ગ્રેજ્યુએટી રકમ અંગેની મર્યાદા વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેજ્યુઈટીની રકમ રૂપિયા 20 લાખથી વધારી 25 લાખ કર્યાનો નિર્ણય જાહેર કર્યો હતો.
નાણા વિભાગ તરફથી મુખ્યમંત્રી સમક્ષ રજૂ થયેલી દરખાસ્તમાં ગ્રેજ્યુઈટીની રકમમાં 25 ટકાનો વધારો સુચવાયો હતો. જેને મંજૂરી મળતા 1લી જાન્યુઆરી 2024 પછી અવસાન કે પછી રિટાયર થયેલા કર્મચારી- અધિકારીઓને તેનો લાભ મળશે. આ અંગે જરૂરી ઠરાવો નાણાં વિભાગ તરફથી પ્રસિધ્ધ થશે તેમ અખબારી યાદીમાં જણાવાયુ છે. રાજ્ય સરકારને આ નિર્ણયથી વાર્ષિક અંદાજે રૂપિયા 53.15 કરોડનું ભારણ આવશે. વર્તમાનમાં ગુજરાત સરકારના કર્મચારીઓને નિવૃતિ સમયે નિવૃતિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી તરીકે વધુમાં વધુ રૂપિયા 20 લાખ મળવાપાત્ર છે. તે વધીને હવેથી 25 લાખ સુધી મળી શકશે. ગુજરાત સરકારમાં અધિકારી- કર્મચારીને પેન્શનની સાથે 300 દિવસનો રજા પગાર અને ગ્રેજ્યુઈટી એમ ત્રણ પ્રકારે નિવૃતિ પછી લાભ મળે છે. પેન્શન એ જૂની અને નવી પેન્શન સ્કીમ હેઠળ ચૂકવાય છે.